ભાવનગર: ભાવનગરમાં ડમીકાંડ કૌભાંડનો ખુલાસો કરનારા યુવરાજસિંહ જાડેજા હવે તપાસના ઘેરામાં આવ્યા છે. યુવરાજસિંહને ભાવનગર પોલીસ સમક્ષ હાજર થવું પડશે. યુવરાજસિંહે ડમીકાંડમાં પ્રેસ કોન્ફરન્સ કરીને કેટલાક વ્યક્તિઓના નામ લીધા હતા. આ ઉપરાંત નાણાકીય વ્યવહાર અંગે ખુલાસો કરવા માટે પોલીસે તેમને સમન્સ પાઠવ્યું છે. આવતીકાલે 19મી એપ્રિલે યુવરાજસિંહને ભાવનગર પોલીસ સમક્ષ હાજર થવા માટે કહેવાયું છે.
ADVERTISEMENT
યુવરાજસિંહ પર 55 લાખ લેવાનો આક્ષેપ લાગ્યો
નોંધનીય છે કે ડમી કાંડ કૌભાંડમાં તાજેતરમાં જ યુવરાજસિંહના પૂર્વ સાથી એવા બિપિન ત્રિવેદીએ આક્ષેપ કર્યો હતો કે યુવરાજસિંહે ડમીકાંડમાં નામ ન લેવા માટે રૂ.55 લાખ લીધા હતા. જેનો વીડિયો સામે આવ્યો હતો. જે બાદ યુવરાજસિંહે તમામ આરોપોને નકાર્યા હતા અને બિપિન ત્રિવેદી કોઈ રાજકીય વ્યક્તિનો હાથો બની ગયા હોવાનું કહ્યું હતું.
ડમીકાંડમાં 36 સામે નોંધાઈ ફરિયાદ
નોંધનીય છે કે, ડમીકાંડમાં અત્યાર સુધીમાં ભાવનગર પોલીસે 36 સામે ફરિયાદ નોંધી છે. જેમાંથી 6 આરોપીઓની ધરપકડ પણ કરી લીધી છે. જ્યારે મોટાભાગના આરોપીઓ હજુ પોલીસની પકડમાં આવ્યા નથી. જેમને પકડવા માટે SIT અલગ અલગ દિશાઓમાં તપાસ કરી રહી છે. જ્યારે અગાઉ 4 જેટલા આરોપીઓ પકડાયા હતા. બાદમાં વધુ બે આરોપી પકડાતા તેમને હાલમાં રિમાન્ડ પર મોકલાયા છે.
ADVERTISEMENT