Bhavnagar News: ગુજરાતના ખેડૂતો ઘણા સમયથી ડુંગળીના નિકાસ પર મૂકાયેલા પ્રતિબંધનો વિરોધ કરી રહ્યા છે. જોકે તેમ છતાં સરકાર તરફથી કોઈ પગલા લેવામાં આવી રહ્યા નથી. પૂરતા ભાવ ન મળતા ચિંતિત બનેલા ખેડૂતોએ આજે ભાવનગરમાં ડુંગળીની અંતિમ યાત્રા કાઢીનો વિરોધ વ્યક્ત કર્યો હતો. ધ્રૂસકેને ધ્રૂસકે રડીને રેલી કાઢી હતી. ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મૂકતા એક મણને જે અગાઉ 800થી 900 રૂપિયા મળતા હતા, તેની જગ્યાએ ભાવ હને 300 રૂપિયા સુધી પહોંચી ગયા છે. જેના કારણે ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે.
ADVERTISEMENT
ડુંગળીના ભાવ ન મળતા અનોખો વિરોધ
ભાવનગર જિલ્લામાં સૌરાષ્ટ્રનું સૌથી મોટું માર્કેટિંગ યાર્ડ મહુવા અને ભાવનગર યાર્ડમાં નિકાસબંધીની અસરથી ડુંગળીના ભાવમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. ત્યારે ભાવનગર જિલ્લામાં ડુંગળી નિકાસબંધીને લઈ ખેડૂતોનો અનોખો વિરોધ કર્યો હતો. ઘોઘા તાલુકાનાં નેસવડ, મામસા, ઉખલા ગામના ખેડૂતો દ્વારા ડુંગળીની અંતિમયાત્રા કાઢીને વિરોધ કરાયો હતો. ખેડૂતોએ ‘ડુંગળીમાં મરી ગયા’ અને ‘રામ બોલો ભાઈ રામ’ જેવા સૂત્રોચ્ચાર ઉચાર્યા હતા. સાથે મરસિયા પણ ગાયા હતા.
નોંધનીય છે કે, આ પહેલા રાજકોટમાં પણ ખેડૂતોએ ડુંગળીના ભાવ મુદ્દે વિરોધ નોંધાવ્યો હતો. ગોંડલ માર્કેટ યાર્ડની બહાર નેશનલ હાઈવે પર ડુંગળી રોડ પર ફેંકીને યોગ્ય ભાવ ન મળતા ખેડૂતોએ વિરોધ કર્યો હતો.
(નીતિન ગોહિલ, ભાવનગર)
ADVERTISEMENT