ભાવનગર જિલ્લામાં ભાજપ ટકાવારી ઘટવાની પરંપરા આ વખતે તુટશે ? -કોંગ્રેસમાં અહીં કેટલું દમ

નીતિન ગોહિલ.ભાવનગરઃ સમગ્ર ગુજરાત સહિત ભાવનગર જિલ્લાની કુલ-7 વિધાનસભા બેઠકો માટે તા.8 ડિસેમ્બરને ગુરૂવારે મત ગણતરી થવાની છે ત્યારે ત્યારે રાજકીય વિશ્લેષકોની નજર 2022ની ચૂંટણીના…

gujarattak
follow google news

નીતિન ગોહિલ.ભાવનગરઃ સમગ્ર ગુજરાત સહિત ભાવનગર જિલ્લાની કુલ-7 વિધાનસભા બેઠકો માટે તા.8 ડિસેમ્બરને ગુરૂવારે મત ગણતરી થવાની છે ત્યારે ત્યારે રાજકીય વિશ્લેષકોની નજર 2022ની ચૂંટણીના પરિણામ પર વિશેષ એ રહેશે કે ભાવનગર જિલ્લામાં અગાઉ કોંગ્રેસને એકથી વધુ બેઠક મળી નથી. ત્યારે આ વખતે શું થશે તે જોવાનું રસપ્રદ બની રહેશે. અત્રે ઉલ્લેખનીય એ છે કે ત્રણ ચૂંટણીથી ભાજપના વોટની ટકાવારી ઘટતી જાય છે પણ બેઠકો યથાવત રહી છે. તો બીજી બાજુ કોંગ્રેસના વોટની ટકાવારી વધવા છતાં જિલ્લામાં 1 થી વધુ બેઠક મળતી નથી. જોકે આ પરંપરા છેલ્લી ચાર ચૂંટણીથી ચાલી આવી છે તેમાં પરિવર્તન આવશે કે પુનરાવર્તન થશે એ તો 8 ડિસેમ્બરે ખબર પડશે, પણ આ વખતે કાંઈક જુદુ એટલે જોવા મળશે કે ત્રિકોણીય જંગની અહીંની બેઠકોના આંકડાઓમાં શું અસર પડે છે.

કોંગ્રેસના મતોની ટકાવારી વધી પણ બેઠક ના વધી
ગત વિધાનસભા ચૂંટણીમાં ભાવનગરમાં ભાજપના ફાળે કુલ મતના 48.46 ટકા મત આવેલા તો કોંગ્રેસના ફાળે 37.71 ટકા મત મળ્યા હતા. આમ, ભાજપના ફાળે 10.71 ટકા મત વધુ આવેલા પણ બેઠકો 7 પૈકી 6 મળી હતી. જ્યારે કોંગ્રેસના ફાળે 37.71 ટકા મત છતાં એક જ બેઠક મળી હતી જે તળાજા બેઠક. અગાઉ વર્ષ-2012ની ચૂંટણી સુધી ભાવનગર જિલ્લામાં બોટાદ અને ગઢડા બન્ને મળીને કુલ 9 બેઠક હતી છતાં પરિણામમાં એ જ પુનરાવર્તન રહ્યું હતું. હવે જ્યારે કોંગ્રેસને મતોની ટકાવારી વધતી જાય છે ત્યારે આ વખતે શું પરિણામ આવે છે તે 8 ડિસેમ્બરે ખબર પડી જશે. વર્ષ-2007થી તો ભાવનગરમાં કોંગ્રેસના મતોની ટકાવારીમાં વધારો થતો જાય છે છતાં 1 બેઠકથી વધુ જીતી શક્યા નથી તે હકીકત છે. તો આ વખતે બેઠાકોમાં શું થશે તે લોકોમાં ચર્ચા ચાલી રહી છે.

સિમાંકનમાં ફેરની અસર નહીં
ભાવનગર જિલ્લામાં વર્ષ-2002 અને વર્ષ-2007, વર્ષ-2012 અને છેલ્લે વર્ષ-2017ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષ ભાવનગર જિલ્લામાં કુલ બેઠકોમાંથી એકથી વધુ બેઠક મેળવી શક્યા નથી. બોટાદ અને ગઢડા જ્યારે ભાવનગર જિલ્લામાં હતા ત્યારે વર્ષ-2002થી વર્ષ-2012 સુધીની કુલ 9 પૈકી 8 બેઠકો પર વિજય મેળવ્યો હતો જ્યારે ગત વખતે કુલ 7 પૈકી 6 બેઠકોમાં ભાજપ અને કોંગ્રેસે એક બેઠક તળાજા પર વિજય મેળવતા કોંગ્રેસને ભાવનગર જિલ્લામાં છેલ્લા ચાર બેઠકથી માત્ર એક બેઠક જીતી સંતોષ મેળવવાની પરંપરા જાળવી રાખી હતી.

તળાજામાં કોંગ્રેસનું અસ્તિત્વ ટકાવ્યું
વર્ષ-2002ની વિધાનસભા ચૂંટણીમાં કુલ 9માંથી કોંગ્રેસને એક બેઠક ગઢડાની મળી હતી અને પ્રવિણભાઈ મારૂ જીત્યા હતા. વર્ષ-2007ની ચૂંટણીમાં ભાવનગર દક્ષિણની બેઠક પરથી કોંગ્રેસના શક્તિસિંહ ગોહિ‌લ વિજયી થયા હતા જ્યારે વર્ષ-2012ની ચૂંટણીમાં પાલિતાણામાં કોંગ્રેસના પ્રવિણભાઈ રાઠોડે વિજય મેળવેલો જ્યારે ગત ચુંટણી 2017માં યોજાઇ તેમાં તળાજામાં કનુભાઇ બારૈયાએ જીતી ભાવનગર જિલ્લામાં કોંગ્રેસનું અસ્તિત્વ ટકાવી રાખ્યું હતુ. ત્યારે હવે 8 ડિસેમ્બરે મત ગણતરી વખતે આ વખતે શું થશે તે પર સૌની નજર મંડાયેલી છે.

છેલ્લી 4 વિધાનસભા ચૂંટણી ભાજપ અને કોંગ્રેસનાં મતો ની ટકાવારી….
વર્ષ-2017 ચૂંટણી ભાજપ-48.46 ટકા, કોંગ્રેસ-37.71 ટકા
વર્ષ-2012 ચૂંટણી ભાજપ-49.54 ટકા, કોંગ્રેસ-34.53 ટકા
વર્ષ-2007 ચૂંટણી ભાજપ-51.49 ટકા, કોંગ્રેસ-32.57 ટકા
વર્ષ-2002 ચૂંટણી ભાજપ-50.48 ટકા, કોંગ્રેસ-34.68 ટકા

    follow whatsapp