ભાવનગર: રાજ્યમાં કોરોના બાદ હાર્ટ એટેકના બનાવોમાં ચિંતા જનક રીતે વધારો થઈ રહ્યો છે. રાજકોટ, અમદાવાદ, સુરત સહિતના શહેરોમાં ક્રિકેટના મેદાનમાં હાર્ટ એટેકથી યુવકોના મોતના બનાવો સામે આવી ચૂક્યા છે. એવામાં હવે ભાવનગરમાં પણ આ પ્રકારનો બનાવ સામે આવ્યો છે. જેમાં માતાજીના માંડવામાં ધુણી રહેલા ભુવાજીનું હાર્ટ એટેક આવતા અચાનક મોત થયું હતું. એવામાં ખુશીનો માહોલ માતમમાં ફેરવાઈ ગયો હતો.
ADVERTISEMENT
ભાવનગરના કુડા ગામમાં માતાજીના માંડવાનું આયોજન કરાયું હતું
ભાવનગરના કુડા ગામમાં ગોહિલ પરિવાર દ્વારા સિકોતર માતાજીના અખંડ 24 કલાકના નવરંગા માંડવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કુડા ગામના જ 65 વર્ષના ભુવા મકાભાઈ ગોહિલના શરીરમાં દૈવીશક્તિનો પ્રવેશ થતા તેઓ માંડવામાં ધુણતા હતા દરમિયાન જ અચાનક તેઓ ઢળી પડ્યા હતા.
હાર્ટ એટેકથી ગામમાં શોક
એવામાં માંડવામાં હાજર મહેમાનો ત્યાં દોડી આવ્યા હતા અને ભુવાજીને લઈને તાત્કાલિક આરોગ્ય કેન્દ્ર પહોંચ્યા હતા. જોકે ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. ત્યારે માતાજીના માંડવાના શુભ પ્રસંગમાં હાર્ટ એટેકથી ભુવાજીનું નિધન થતા સમગ્ર ગામમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.
ADVERTISEMENT