Bharuch News: ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં આવેલી લોર્ડ્સ પ્લાઝા હોટલમાં ઝઘડિયાની GIDCમા આવેલી થર્મેક્સ કંપનીએ 10 જગ્યાઓ માટે ઓપન ઈન્ટરવ્યૂ રાખ્યું હતું. જેમાં 1500થી વધુ યુવાનો ઉમટી પડતા ભારે ભીડ સર્જાઈ હતી. જેનો વીડિયો વાઈરલ થતા રોજગારીના દાવાની પોલ ખુલી હતી. જે બાદ કોંગ્રેસ દ્વારા ભાજપ પર ગંભીર પ્રહાર કરાયા હતા. આ મુદ્દે સરકારની ભારે ફજેતી બાદ હવે ભરૂચ જિલ્લા રોજગાર કચેરી એક્શનમાં આવી છે અને ઓપન ઈન્ટરવ્યૂ રાખનારી કંપનીનો નોટિસ ફટકારવામાં આવશે છે.
ADVERTISEMENT
ભરૂચ જિલ્લા રોજગાર કચેરી એક્શનમાં
ભરૂચ જિલ્લા રોજગાર કચેરી દ્વારા બનાવ સંદર્ભે રદિયો જાહેર કરાયો છે. જેમાં કહેવાયું છે કે, કંપની દ્વારા ખાલી જગ્યા અંગેના કમ્પલસરી નોટીફિકેશન ઓફ વેકેન્સી અને વેકેન્સી એક્ટ (C એન V એકટ 1959)ની કલમ 4(2) હેઠળ જાણ કરેલ ન હોય તેનું ઉલ્લઘન થયું છે. કંપની દ્વારા રોજગાર કચેરી દ્વારા રોજગાર ભરતી મેળામાં સામેલ થઈને ભરતીનું આયોજન કરવું જોઈતું હતું. આયોજનમાં 500થી વધુ ઉમેદવારો એક જગ્યાએ ભેગા થવાના હોય ત્યારે પોલીસ બંદોબસ્ત તથા સિક્યોરિટી જેવી વ્યવસ્થાની અન્ય બાબત ધ્યાનમાં લેવામાં આવી છે. જિલ્લા રોજગાર કચેરી સ્થળ નિરીક્ષણ કરી થર્મેસ્ક લિમિટેડને નોટિસ પણ ફટકારશે.
કોંગ્રેસે વીડિયોને લઈને કર્યા હતા સરકાર પર પ્રહાર
નોંધનીય છે કે, બેરોજગાર યુવાનોનો વાઈરલ વીડિયો કોંગ્રેસના નેતા મુમતાજ પટેલે ટ્વીટ કર્યો હતો અને લખ્યું હતું કે, અંકલેશ્વરના દ્રશ્યો ભાજપના વિકાસની પોલ ખોલે છે. ગુજરાત મોડેલની વાત વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે. બેરોજગારી ગંભીર મુદ્દો છે, ભાજપ સરકાર તેનાથી અજાણ છે. વિપક્ષ અને કોંગ્રેસ યુવાઓના ભવિષ્ય માટે અવાજ ઉઠાવતું રહેશે.
ભાજપે આરોપોનો શું જવાબ આપ્યો?
જેના પર ભાજપે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, આ ગુજરાતને બદનામ કરવાનો પ્રયાસ છે. ગુજરાતની કોઈપણ વાતને નકારાત્મક બતાવવી કોંગ્રેસની માનસિકતા છે. વોક-ઈન ઈન્ટરવ્યૂ માટે જે જાહેરાત પ્રસિદ્ધ કરાઈ છે, જેમાં લખ્યું છે કે તેઓને અનુભવી ઉમેદવારની જરૂર છે. આ વાતનો અર્થ એ થાય છે કે ઈન્ટરવ્યૂ આપવા આવેલા ઉમેદવારો અનુભવી છે અને તેઓ બીજે ક્યાંક નોકરી કરી રહ્યા છે. આથી તેઓ બેરોજગાર હોવાનો પ્રશ્ન જ ઉદભવતો નથી.
ADVERTISEMENT