Bharuch News: ગુજરાતમાં ચોમાસું શરૂ થયા બાદથી અનેક રસ્તાઓમાં ખાડાઓ પડવાની ઘટનાઓ સામે આવી રહી છે. તાજેતરમાં જ દ્વારકાના સુદામા બ્રિજમાં સળિયા બહાર દેખાવા લાગ્યા હતા, તો લીંબડી હાઈવે પરના બ્રિજ પર ખાડા પડ્યા હતા. આ વચ્ચે હવે ભરૂચના આમોદમાં 7 કરોડ રૂપિયાના ખર્ચે બનેલો રોડ 3 મહિનામાં જ ખખડધજ થઈ જતા રોડની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપો ઉઠી રહ્યા છે. ખાસ વાત એ છે કે જંબુસરના ધારાસભ્યએ લોકાર્પણ સમયે આ રોડને 25 વર્ષ સુધી કંઈ નહીં થાય એવું નિવેદન આપ્યું હતું, જેનો જૂનો વીડિયો હવે વાઈરલ થઈ રહ્યો છે.
ADVERTISEMENT
ધારાસભ્યએ 25 વર્ષ સુધી કંઈ નહીં થાય એમ કહ્યું હતું
ભરૂચના આમોદના બત્રીસી નાળાથી મુલ્લા તળાવ સુધીના રસ્તાનું રૂ. 7.33 કરોડની માતબર રકમથી નિર્માણ કરવામાં આવ્યું હતું. જેનું લોકાર્પણ ત્રણ મહિના પહેલાં જ જંબુસરના ધારાસભ્ય ડી.કે.સ્વામીના હસ્તે કરવામાં આવ્યું હતું. જોકે નવા બનેલા આ રોડની મજબૂતીની ત્રણ મહિનામાં જ પોલ ખુલ્લી પડી ગઈ છે. વરસાદના કારણે રસ્તામાં ઠેર ઠેર ગાબડા પડતા લોકોને ફરી જૂના રસ્તાની યાદ આવી ગઈ છે. ત્રણ મહિના પહેલાં જ્યારે 7 કરોડ રૂપિયાના ખર્ચે બનેલા નવનિર્મિત રોડનું જંબુસરના ધારાસભ્ય ડી.કે.સ્વામીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું ત્યારે ધારાસભ્ય ડી.કે.સ્વામીએ કહ્યું હતું કે, આ રસ્તાની મજબૂતી એવી બની છે કે, આવનારાં 25 વર્ષ સુધી રસ્તાને કંઈ નહીં થાય. ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ પણ આ રસ્તાના ભરપેટ વખાણ કરી કહ્યું હતું કે, આવા જ રસ્તા ભરૂચ જિલ્લામાં બીજા ઠેકાણે બનશે.
3 મહિનામાં રોડમાં ગાબડા પડ્યા
જે રસ્તાને 25 વર્ષ સુધી કંઈ ન થવાનો દાવો કરવામાં આવ્યો હતો તે 25 વર્ષ તો દૂર ત્રણ મહિનામાં જ તૂટવા લાગ્યો છે. નવા નક્કોર રસ્તાની પ્રથમ ચોમાસામાં જ પોલ ખુલ્લી પડી ગઈ છે. ચોમાસાની શરૂઆત થતાંની સાથે રસ્તા પર ગાબડાઓ પડવાની શરૂઆત થઇ હતી. ગાબડાઓના લીધે આબરૂના ધજાગરા ઊડે તેમ હોવાથી કોન્ટ્રાક્ટરે તાબડતોડ ગાબડાઓ પુરવાનું કામ શરૂ કરી દીધું હતું. સ્થાનિકોના જણાવ્યા અનુસાર આ રસ્તાને પાંચ સ્તરમાં બનાવવામાં આવ્યો હતો. કાળી માટી કાઢીને પીળી માટી નાખવામાં આવી હોવા છતાં રસ્તો ધોવાઇ ગયો છે.
(ગૌતમ ડોડિયા, ભરૂચ)
ADVERTISEMENT