દિગ્વિજય પાઠક, ભરૂચ: ઉત્તરાયણ પર્વે પતંગના દોરાથી ટુ વ્હીલર ચાલકોની સલામતી મોટો પ્રશ્ન બને છે. આકાશમા ઊડતી પતંગો કપાઈ અને પક્ષી તેમજ માનવ ના મોતનું કારણ બની જાય છે. ત્યારે બાઈક ઉપર સવાર લોકોના જીવ બચાવી સલામતી પૂરી પાડવા માટે ભરૂચ પાલિકા પ્રમુખ અમિત ચાવડાએ આજે 14 જાન્યુઆરીએ સિટી બસમાં તમામ શહેરીજનોને નિઃશુલ્ક અને સલામત મુસાફરીની ભેટ આપી છે.
ADVERTISEMENT
ઉત્તરાયણના દિવસે કાતીલ દોરીથી અનેક અકસ્માતો સર્જાય છે. અને કેટલાયના જીવ જાય છે. આ દિવસે કોઈ અનિચ્છનિય ઘટના ન બને તે માટે ઉત્તરાયણ પર્વ નિમિતે ભરૂચ નગરપાલિકા દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઉત્તરાયણ પર્વે સિટીબસમાં મુસાફરી કરવા માટે લોકોને પ્રેરણા આપવા આખા દિવસ દરમિયાન નિઃશુલ્ક મુસાફરીની જાહેરાત કરવામાં આવી છે.
કોઈ દુર્ઘટના ન ઘટે તે માટે લેવાયો નિર્ણય
આજે શનિવારે ઉત્તરાયણ પર્વ દરમ્યાન 14 જાન્યુઆરીએ સવારથી શહેરના તમામ 12 રૂટ ઉપર ફરતી મુખ્યમંત્રી શહેરી પરિવહન બસ સેવામાં મફત મુસાફરીની જાહેરાત પાલિકા દ્વારા કરવામાં આવી છે. ભરૂચ નગર પાલિકાના પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે ઉત્તરાયણ પર્વે ખરીદી, કામકાજ, મિત્રો અને સગા સંબંધી સાથે મુલાકાત અને પતંગોત્સવના પર્વની ઉજવણી કરવા નીકળતા શહેરીજનોની સુવિધા તેમજ સલામતી માટે સિટી બસમાં દિવસભર મફત મુસાફરીનો લાભ આપવામાં આવ્યો છે.
આ નિઃશુલ્ક સેવાનો મુખ્ય હેતુ મોપેડ અને બાઇક ઉપર જતા વાહન ચાલકો ઇજાથી દૂર રહે તે માટે પોતાના વાહનનો ઉપયોગ ઓછો કરે તે જરૂરી છે. આ ઉપરાંત કોઈ વ્યક્તિ પતંગના દોરાથી ઇજાગ્રસ્ત કે કોઈ જાન હાનિ ન થાય તે માટે પાલિકા દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. ભરૂચ નગરપાલિકાના આ નિર્ણયથી તમામ લોકોને રાહત થશે.
ADVERTISEMENT