Bharuch News: દિવાળીની રજાઓમાં બજારો, સોસાયટી સહિતના વિસ્તારો હાલમાં સુમસાન નજરે પડી રહ્યા છે. દિવાળીની રજા હોવાથી લોકો બહારગામ ફરવા માટે જતાં હોય છે. ત્યારે આ તકનો લાભ ઉઠાવી તસ્કરો સક્રિય થઈ ચોરીના ગુનાઓને અંજામ આપી રહ્યા છે. ત્યારે તાજેતરમાં આવો જ બનાવ ભરૂચથી સામે આવ્યો છે.
એક રાતમાં ત્રણ દુકાનોના તૂટ્યા તાળા
ભરૂચમાં એક જ રાતમાં 3 દુકાનોના તાળાં તૂટતા વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે. તસ્કરે મોડી રાતે દુકાનના તાળા તોડી દુકાનમાં હાથફેરો કર્યો છે. હાલ સ્થાનિક પોલીસે આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
ત્રણ દુકાનોના તૂટ્યા તાળા
ભરૂચ શહેરના મક્તમપુર વિસ્તારમાં આવેલા શોપિંગ સેન્ટરમાં એક જ રાતમાં ત્રણ દુકાનોના તાળા તોડીને તસ્કરે ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. મોડી રાતે ચોરે શોપિંગ સેન્ટરમાં આવેલી દુકાનોના તાળા તોડ્યા હતા, જે બાદ દુકાનમાં ઘુસીને ચોરી કરી હતી. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. એક સાથે 3 દુકાનોમાં ચોરી થતાં અન્ય વેપારીઓ ચિંતામાં મુકાયા છે.
સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ
હાલ ભરૂચ સી ડિવિઝન પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે. આપને જણાવી દઈએ કે અંકલેશ્વરમાંથી પણ ચોરીનો બનાવ સામે આવ્યો છે. અકલેશ્વરની પંચાટી બજારમાં આવેલ સોય ફળિયામાં તસ્કરો ત્રાટક્યા હતા અને એક મકાનમાં ઘુસીને 40 હજાર જેટલી રોકડ રકમની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા.