દિગ્વિજય પાઠક/ભરૂચ: ભરૂચના 200 સરકારી કર્મચારીઓએ ભરૂચના એક મુસ્લિમ દિવ્યાંગ પિતાની દીકરીની કૉલેજ ફી પેટે તેમનો એક દિવસનો પગાર આપી દીધો. આ દીકરી ધો.12ના અભ્યાસ બાદ ડોક્ટર બનવા માગતી હતી અને હાલમાં MBBS કરી રહી છે. જોકે તેની કોલેજની ફીમાં 4 લાખ રૂપિયા ઓછા પડી રહ્યા હતા. ત્યારે સરકારી અધિકારીઓએ આપેલા 1 દિવસના પગારથી યુવતીની ફીની વ્યવસ્થા થઈ હતી. યુવતીને ભરૂચના કલેક્ટર દ્વારા 4 લાખનો ચેક આપવામાં આવ્યો હતો.
ADVERTISEMENT
પારુલ યુનિ.માં આલિયાબાનુને મળ્યું છે એડમિશન
ભરૂચમાં રહેતા અયુબ પટેલની પુત્રી આલિયાબાનુને ડોક્ટર બનવું હતું. તેણે પારુલ યુનિવર્સિટીમાં એડમિશન મળ્યું પણ તેની કોલેજની ફી ભરવા માટે લગભગ ચાર લાખની રકમ ઓછી હતી. ત્યારે ભરૂચના કલેક્ટરના માર્ગદર્શન હેઠળ તમામ સરકારી કર્મચારીઓએ આ આલિયાબાનુને એક દિવસનો પગાર આપીને ચાર લાખનો ફાળો આપ્યો હતો અને તેની કોલેજની ફી ચૂકવવામાં આવી હતી.
PMએ મદદ કરવાનું વચન આપ્યું હતું
જો આપણે આ બાબતના ભૂતકાળમાં જઈએ તો 12 મે, 2022ના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભરૂચમાં એક વર્ચ્યુઅલ ઉત્કર્ષ સમારોહને સંબોધિત કર્યો હતો. લાભાર્થીઓમાંના એક અયુબ પટેલ હતા જેમણે ગલ્ફ કન્ટ્રીમાં અમુક દવાઓના ચેપને કારણે આંખો ગુમાવી દીધી હતી. તેમની સાથે વાત કરતાં વડાપ્રધાન ખૂબ જ ભાવુક થઈ ગયા કારણ કે એ જ દિવસે અયુબભાઈની દીકરીનું 12માનું પરિણામ આવ્યું અને તેણે MBBS કરવાની ઈચ્છા વ્યક્ત કરી. પિતાની પીડાને કારણે તેણે આ ઈચ્છા વ્યક્ત કરી હતી, ત્યારે વડા પ્રધાને આ છોકરીને આશીર્વાદ આપ્યા હતા અને કહ્યું હતું કે જો તેને ઓછું સ્થાન મળે તો મને પત્ર લખો.
કલેક્ટરના કહેવા પર કર્મચારીઓએ 1 દિવસનો પગાર આપી દીધો
યુવતીને પારુલ યુનિવર્સિટીમાં એડમિશન મળ્યું અને તેની ફી માટે 4 લાખ રૂપિયા ઓછા પડ્યા. આ અંગે આલિયાબાનુને નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો હતો અને આ પત્ર બાબતે વડા પ્રધાને જિલ્લા કલેકટરને ફી માટે જાણ કરી હતી અને કલેક્ટરે તમામ કર્મચારીઓને તેમનો એક દિવસનો પગાર ચૂકવી દેવા જણાવ્યું હતું. આ યુવતીના સારા ભવિષ્ય માટે સૌએ સંમતિ આપી હતી અને યુવતીને 4 લાખનો ચેક આપવામાં આવ્યો હતો.
‘ભવિષ્યમાં પણ આ રીતે છોકરીની ફી ભરીશું’
આ મામલે કલેક્ટર તુષાર સુમેરે જણાવ્યું કે, અમે બધા ઈચ્છીએ છીએ કે બાળકીનું ભવિષ્ય સારું રહે. અને ભવિષ્યમાં પણ અમે આ જ રીતે આ છોકરીની ફી ભરીશું. ભરૂચના કલેક્ટરથી લઈને કારકુન સુધી સૌએ સહયોગ આપ્યો છે. તો બાળકીના પિતા અયુબભાઈએ જણાવ્યું કે, હું ખૂબ જ ખુશ છું કે બધાએ મારી દીકરીના શિક્ષણની જવાબદારી ઉપાડી છે. વડાપ્રધાને તેમનું વચન પૂરું કર્યું, તેથી હું ખૂબ ખુશ છું. તેમણે કાવ્યાત્મક રીતે નરેન્દ્ર મોદીનો આભાર પણ માન્યો હતો. આલિયાબાનુએ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મદદ કરનાર ભરૂચના તમામ અધિકારીઓનો આભાર માન્યો હતો. તેણે કહ્યું કે, હું ખંતથી અભ્યાસ કરીશ.
જેમ તેમ પરિવારે પ્રથમ સેમેસ્ટરની ફી ભરી હતી
હકીકતમાં, ભરૂચના જિલ્લા વહીવટીતંત્રના કર્મચારીઓએ પરિવારની મુશ્કેલીઓ સમજીને તેમને મદદ કરવાનો નિર્ણય લીધો હતો. અય્યૂબ પટેલે જણાવ્યું હતું કે તેણે મિત્રો, સંબંધીઓ અને અન્ય લોકો પાસેથી પૈસા ઉછીના લઈને પ્રથમ સેમેસ્ટરની ફી (આલિયા માટે) અને અન્ય ચાર્જ પેટે રૂ. 7.70 લાખ જમા કરાવ્યા હતા. તેણે ખાનગી બેંકમાંથી 5 લાખ રૂપિયાની લોન લીધી હતી. વર્લ્ડ ભરૂચ વ્હોરા ફેડરેશન તરફથી તેમને 1 લાખ રૂપિયા પણ આપવામાં આવ્યા હતા.
પ્રથમ સેમેસ્ટર મેમાં સમાપ્ત થાય છે અને તેણે બીજા સેમેસ્ટરની ફી જૂન પહેલા જમા કરાવવાની હોય છે. તેણે પીએમ, સીએમ અને જિલ્લા કલેક્ટરને પત્ર લખીને તેમની પુત્રીની ફી ભરવા માટે આર્થિક મદદની વિનંતી કરી છે. તેમણે જાન્યુઆરીમાં મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના શિષ્યવૃત્તિ યોજનાના લાભ માટે અરજી કરી હતી અને હજુ પણ તેની રાહ જોઈ રહ્યા છે. અય્યુબની ભરૂચમાં એક દુકાન છે જે તે દર મહિને 10,000 રૂપિયાના ભાડેથી આપેલી છે.
ADVERTISEMENT