Bharuch News: ભરૂચ શહેરના નર્મદા એપાર્ટમેન્ટ વિસ્તારમાં આજે ગુરુવારે વહેલી સવારે જર્જરિત બિલ્ડિંગ ધરાશાયી થવાની ઘટના બની હતી. જેમાં એક નિંદ્રાધીન પરિવાર કાટમાળમાં દબાઈ ગયો હતો. ઘટનાને પહલે ફાયરબ્રિગેડનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને સ્થાનિકોની મદદથી લોકોને બહાર કાઢ્યા હતા. જોકે એક વ્યક્તિનું મોત થઈ ગયું હતું. નર્મદા એપાર્ટમેન્ટની બિલ્ડિંગ જર્જરિત થઈ ગઈ હતી જેના કારણે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે.
ADVERTISEMENT
વહેલી સવારે જ અચાનક નર્મદા એપાર્ટમેન્ટનો બ્લોક નં.18નો એક ભાગ પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ ગયો હતો. એવામાં કાટમાળ હટાવવો પણ મુશ્કેલ બન્યો હતો. ભરૂચ નગરપાલિકાના કમિટી ચેરમેન અને સ્થાનિક નગર સેવક હેમેન્દ્ર પ્રજાપતિ મદદે દોડી આવ્યા હતા અને રેસ્ક્યુની જવાબદારી ઉપાડી હતી. આ દરમિયાન 38 વર્ષના પંકજ ચૌહાણનું મોત નિપજ્યું હતું જ્યારે અન્ય પરિવારજનોને સહીસલામત બહાર કાઢી લેવામાં આવ્યા હતા.
ખાસ વાત છે કે ભરૂચ નગરપાલિકા દ્વારા દરવર્ષે સત્તાવાર યાદી જાહેર કરવામાં આવે છે, જેમાં જર્જરિત ઈમારતોના માલિકોને મકાન ખાલી કરીને ઉતારી લેવા નોટિસ અપાય છે. પરંતુ નોટિસ આપ્યા બાદ પોતાની જવાબદારૂ પૂર્ણ થઈ ગઈ હોવાનું માનીને તંત્ર દ્વારા કોઈ કડક કાર્યવાહી કરવામાં આવતી નથી. જો વાતને ગંભીરતાથી લઈને બિલ્ડિંગ ખાલી કરાવે તો આ પ્રકારની દુર્ઘટના થતા અટકાવી શકાઈ હોત.
ADVERTISEMENT