Junagadh Damodar Kund : જુનાગઢમાં આવેલા પૌરાણિક દામોદર કુંડની સાફસફાઈને લઈને ભાગવત કથાકાર મનોજભાઈ પુરોહિતે વ્યાસપીઠ પરથી લોકોની વાત અને વેદના રજૂ કરી હતી. દામોદર કુંડની દુર્દશા મામલે જૂનાગઢના જોશીપુરામાં યોજાયેલી શ્રીમદ ભાગવત કથાના છેલ્લા દિવસે કથાકાર મનોજ શાસ્ત્રીએ ભાજપ અને નગરપાલિકા પર શાબ્દિક પ્રહાર કર્યા હતા.
ADVERTISEMENT
'દામોદર કુંડનું સામાન્ય કામ ન થાય તો તમારાથી થાય શું?'
મનોજ શાસ્ત્રીએ કહ્યું હતું કે, 'સમગ્ર દેશમાં ભાજપનું શાસન છતાં દામોદર કુંડનો વિકાસ નથી થયો. ભગવાન શ્રીકૃષ્ણ 52 વખત જુનાગઢ દામોદર કુંડ આવ્યા હતા. ભાજપના સાંસદ, ધારાસભ્ય, ભાજપની મનપામાં બોડી છતાં દામોદર કુંડનું સામાન્ય કામ ન થાય તો તમારાથી થાય શું? આ મોટી ખોટની વાત છે. આના માટે જૂનાગઢ વાસીઓ પણ કાંઈ કરતા નથી. નગરપાલિકા વાળાએ દામોદર કુંડનો કોઈ ઉદ્ધાર કર્યો નથી. હાલ દામોદર કુંડમાં આપણે સ્નાન કરવાની વાત એક બાજુ રહી પરંતુ પગ મુકવાનું પણ મન નથી થતું. તે નગરપાલિકા વાળાનો દોષ છે. આવું મોટું તિર્થધામ જ્યાં 52 વખત શ્રી કૃષ્ણ પધાર્યા. તો એ દામોદર કુંડ કેવો હોવો જોઈએ. ભવનાથની બધી ગટરો એમાં આવે. આ કોઈ લાયક છે.'
'આજ સુધી દામોદર કુંડની કોઈએ દરકાર કરી નથી'
આ સાથે જ દામોદર કુંડના વિકાસ માટે આવતા પૈસા સગેવગે થયાના મનોજ શાસ્ત્રીએ આક્ષેપ કર્યા હતા. મનોજ શાસ્ત્રીએ કહ્યું હતું કે, 'તમામ જગ્યાએ ભાજપનો બોડી તેમ છતા આજ સુધી દામોદર કુંડની કોઈએ દરકાર કરી નથી. જોકે આ માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ આવી હતી પરંતુ શું થયુ તે વિશે કોઈ જાણકારી નથી. ત્યારે મારાથી દામોદર કુંડની દશા ન જોવાતાં આજે વ્યાસપીઠ પરથી બોલવું પડે છે તે પણ દુર્ભાગ્યની વાત છે. ખેર દેશ-વિદેશમાંથી અનેક શ્રધ્ધાળુઓ અહીં આવે છે. ત્યારે આ દામોદર કુંડની સાફ સફાઈ ન થવા પાછળ જેટલા રાજકીય લોકો જવાબદાર છે. તેના કરતાં વધુ આપણે પણ જવાબદાર છીએ કે તેઓ પાસે આટલું પણ કામ કરાવી શકતા નથી.'
મનોજ શાસ્ત્રીએ કહ્યું હતું કે, 'નરસિંહ મહેતાના કારણે ભગવાન જ્યારે આવતા ત્યારે તે દામોકુંડમાં આવતા તે દામોકુંડની હાલત આજે ખુબ ખરાબ છે. તળાવના બ્યૂટીફિકેશન કરવા કરતાં તંત્ર કરે દામોદર કુંડનો ઉદ્ધાર.' જુનાગઢ મનપા તંત્રને ભગવાન સદબુદ્ધિ આપે તેવી પ્રાર્થના કરી હતી.'
ADVERTISEMENT