અમદાવાદ: યાત્રાધામ અંબાજીમાં યોજાતા ભાદરવી પૂનમનો મેળાની આજથી શરૂઆત થઈ રહી છે. માઇભક્તોમાં અંબાજી પગપાળા ચાલીને જવાનો અનેરો થનગનાટ છે. બે વર્ષના વિરામ બાદ આ વર્ષે આજથી 10 મી સપ્ટેમ્બર સુધી યોજાનાર આ માનવ મહેરામણ ઉમટશે. કોરોનાની મહામારીને લીધે બે વર્ષથી મેળો યોજાઈ શક્યો નહોતો ત્યારે ચાલુ વર્ષે મેળાનું આયોજન થવાથી દુનિયાભરમાંથી માઈભક્તોનું ઘોડાપુર મેળામાં ઉમટી પડવાની સંભાવના છે. આ વર્ષે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર કમ શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન આનંદ પટેલ મેળાનો પ્રારંભ કરાવશે.
ADVERTISEMENT
વીસાયંત્રની પૂજા થાય છે
યાત્રાધામ અંબાજી મંદિરમાં માતાજીની મૂર્તિ નહી પરંતુ વીસાયંત્રની પૂજા થાય છે. વીસાયંત્રના શણગારને મુગટ તથા ચુંદડી સાથે એ રીતે ગોઠવાય છે કે તે સવારી પર આરૂઢ માતાજીની મૂર્તિ હોવાનો ભાસ થાય છે. આ યંત્ર શુધ્ધ સોનામાંથી બનાવેલ છે. એક માન્યતા મુજબ આ શ્રીયંત્ર છે. કૂર્મ પુષ્ઠવાળુ આ યંત્ર સોનાનું છે જે ઉજ્જૈન અને નેપાળની શક્તિપીઠોના મૂળયંત્ર સાથે સંકળાયેલ હોવાની માન્યતા છે. આ શક્તિપીઠોમાં શાસ્ત્રોક્ત રીતે શ્રીયંત્રની પૂજા થાય છે. આ યંત્રમાં ૫૧ અક્ષરો હોવાનું પ્રમાણ મળે છે. માતાજીના યંત્રના સ્થાનમાં આંખોથી જોવાનો નિષેધ હોવાથી પૂજારી પણ આંખે પાટા બાંધીને યંત્ર પુજા કરે છે. દર સુદ આઠમે વીસાયંત્રની વિશેષ પૂજા કરવામાં આવે છે. નવરાત્રિના આઠમા નોરતે હવન- યજ્ઞ સાથે વીસાયંત્રની પૂજાનું વિશેષ મહત્વ મનાય છે.
મંદિરના સમયમાં કરાયો ફેરફાર
સામાન્ય દિવસોમાં મંદિર સવારે 6.15 વાગ્યે ખોલવામાં આવતું હોય છે પરંતુ મેળા દરમિયાન યાત્રિકો મોડી રાતે કે વહેલી સવારે અંબાજી આવી પહોંચતા હોય છે આ યાત્રિકો વહેલી સવારે આરતી અને દર્શનનો લ્હાવો લઈ શકે એ માટે મંદિર બ્રહ્મ મુર્હતમાં સવારે 5 કલાકે ખોલવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આરતીનો સમય સવારે 5.30 કલાક કરવામાં આવ્યો છે. આમ સવારમાં દર્શનનો સમય એક કલાક વહેલો કરવામાં આવ્યો છે. સાંજે સામાન્ય રીતે સમય 4.30 થી સાંજે 7 વાગ્યા સુધી મંદિર બંધ રહેતુ હોય છે એ મેળા દરમિયાન સાંજે-5.30 થી 7 વાગ્યા સુધી જ બંધ રહેશે. આમ સાંજે પણ એક કલાક દર્શનના સમયમાં વધારો કરાયો છે. મંદિર રાત્રે-12.00 વાગ્યા સુધી ખુલ્લું રાખવામાં આવશે.
30 લાખથી વધુ લોકો આવશે દર્શને
ગુજરાત, મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાંથી આ છ દિવસમાં લગભગ 30 લાખ પ્રવાસીઓ પગપાળા મા અંબાના દર્શન કરવા આવે છે. મેળા દરમિયાન લાખોની સંખ્યામાં ભાવિક શ્રદ્ધાળુઓ આવતા હોય છે. ત્યારે મેળામાં સ્વચ્છતા અને સફાઈનું પણ તંત્ર દ્વારા ધ્યાન રાખી 700 જેટલા સફાઈ કર્મચારીઓ મેળામાં સફાઈ જાળવવાની કામ સોંપવામાં આવી છે.
વિથ ઈનપુટ: ધનેશ પરમાર, પાલનપુર
ADVERTISEMENT