અમદાવાદ : આગામી લોકસભા ચૂંટણીના પગલે અન્ય પક્ષો હજી બેઠકો કરી રહ્યા છે ત્યારે ભાજપ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જેના પગલે ગુજરાતમાં ફરી એકવાર ‘ઓપરેશન’ શરૂ કરી દીધી છે. સુત્રો અનુસાર આ સમગ્ર ‘ઓપરેશન’ ભાજપના નેતા ડૉક્ટર ભરત બોઘરા દ્વારા કરવામાં આવી રહ્યું હોવાનું સામે આવી રહ્યું છે. લોકસભા પહેલા અમિત ચાવડા સિવાય તમામ ધારાસભ્યો કોંગ્રેસનો સાથ છોડીને જતા રહે તેવી આશંકા સુત્રો વ્યક્ત કરી રહ્યા છે.
ADVERTISEMENT
લોકસભા પહેલા વિપક્ષના નામે શુકનના MLA ને પણ ખેડવી નાખવાની તૈયારી
લોકસભા ચૂંટણીના પગલે ભાજપ વિપક્ષના આંગળીના વેઢે ગણાય તેટલા ધારાસભ્યોને પણ પોતાની અંદર સમાવી લેવા માંગે છે. કોંગ્રેસ અને આપના તમામ ધારાસભ્યોને ભાજપ પોતાની અંદર સમાવી લેવા માટે તત્પર છે. હાલ કોંગ્રેસ અને આપના ધારાસભ્યોમાં રાજીનામાની મોસમ જામી છે. લોકસભા પહેલા આપના અને કોંગ્રેસના કેટલાક ધારાસભ્યો ખડી ચુક્યાં છે અને તેના કરતા 3 ગણા ધારાસભ્યો ખડવા માટે ખણખણી રહ્યા હોવાનું વિશ્વસ્ત સુત્રો પાસેથી માહિતી મળી રહી છે.
અરવિંદ કેજરીવાલે ડેમેજ કંટ્રોલ શરૂ કર્યું પણ કોંગ્રેસ હજી ઓટો પાયલોટ મોડ પર
અત્રે ઉલ્લેખનીય છે કે, આપ પોતાના બચેલા ધારાસભ્યોને એસ્કોર્ટ કરવા માટે અરવિંદ કેજરીવાલ પોતે સોમવારે ગુજરાત આવી રહ્યા છે. જો કે કોંગ્રેસના અનેક ધારાસભ્યો રાજીનામા આપી દે તેવી વકી વચ્ચે દિલ્હી હાઇકમાન્ડમાં કોઇ પ્રકારનો સળવળાટ નથી. કોંગ્રેસ હંમેશાની જેમ જ ઓટો મોડ પર ચાલી રહ્યું છે. જેને આવવું હોય તે આવે અને જવું હોય તે જાય કોંગ્રેસ ઓટો પાયલોટ મોડ પર ચાલી રહ્યું છે. જો કે હાલ તો આ સમગ્ર બાબતો અંગે સુત્રો ગણગણાટ જ કરી રહ્યા છે. આ અંગેની કોઇ નક્કર માહિતી સામે નથી આવી. આ માહિતી કેટલી સાચી છે કે કેટલી ખોટી તે તો સમય જ કહેશે.
ADVERTISEMENT