વડોદરાઃ ગુજરાતમાં બોટાદમાં થયેલા લઠ્ઠાકાંડના પડઘા હજુ શાંત નથી પડ્યા એવામાં વડોદરામાં ડ્રગ્સના ઓવરડોઝથી એક યુવાનનું શંકાસ્પદ મોતે ચકચાર મચાવી દીધી છે. હવે મૃતકની માતાએ ઘટસ્ફોટ કરતા જણાવ્યું છે કે તેમના પુત્રને જાણી જોઈને નશાના ઈન્જેક્શન લગાવી હત્યા કરી નાખવામાં આવી છે. ચલો સમગ્ર ઘટનાક્રમ પર નજર ફેરવીએ…
ADVERTISEMENT
શંકાસ્પદ મોતની ટાઈમલાઈન…
વડોદરાનાં આ યુવાનનું નામ વિવેક છે જે એક નિવૃત્ત આર્મી ઓફિસરનો દીકરો છે. 32 વર્ષીય વિવેક અમદાવાદ ખાતે નોકરી કરતો હતો અને બે દિવસ રજા લઈને તે વડોદરા આવી પહોંચ્યો હતો. આ દરમિયાન રાત્રે 10 વાગ્યે તે વડોદરામાં રાધેકૃષ્ણ ફ્લેટમાં પહોંચી ગયો હતો. જ્યાં તેનું શંકાસ્પદ મોત નીપજ્યું હતું. આ અંગે રૂમમાં રહેતી નેહાને જાણ થતા તેણે પોલીસને બોલાવી હતી અને પછીથી વિવેકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો હતો.
ડ્રગ્સના ઓવરડોઝથી મોત નીપજ્યું હોવાનો પ્રાથમિક રિપોર્ટ
વિવેક જે રૂમમાં મૃત મળી આવ્યો ત્યાંથી પોલીસને ડ્રગ્સ લેવાની સિરિંજ અને ઉંઘની ગોળીઓ મળી આવી હતી. આ ઘટનાની જાણ થતા તેના માતા પિતા પણ ફ્લેટમાં દોડી આવ્યા હતા. આ દરમિયાન ફ્લેટમાં તેમના હૈયાફાટ રૂદનથી આખી સોસાયટી ત્યાં ભેગી થઈ ગઈ હતી.
પોલીસ તપાસમાં અત્યારસુધી સામે આવ્યું છે કે વિવેકનું ડ્રગ્સના ઓવરડોઝના કારણે મોત નીપજ્યું છે. આની સાથે જ ફ્લેટના માલિક અને અન્ય લોકો સાથે પોલીસે પૂછપરછ હાથ ધરી દીધી છે. ઉલ્લેખનીય છે કે ફોરેન્સિક વિભાગે પોસ્ટમોર્ટમમાં યુવાનનું ડ્રગ્સના ઓવરડોઝના કારણે મોત નીપજ્યું હોવાનું જણાવ્યું છે. જોકે હવે પોલીસ એની તપાસ કરી રહી છે કે ડ્રગ્સ જબરદસ્તી તેને આપવામાં આવ્યું છે કે યુવકે જાતે નશો કર્યો છે.
ADVERTISEMENT