અંકલેશ્વરના પીરામણ નાકા પાસે આવેલી યુનિયન બેંકમાં આજે ફિલ્મ જેવા દ્રશ્યો સર્જાયા હતા. બેંકમાં ભર બપોરે ચાર જેટલા અજાણ્યા ઈસમો ત્રાટક્યા હતા અને બંદૂકની અણીએ બેંકમાંથી લૂંટ ચલાવી હતી. લૂંટારૂઓએ સૌથી પહેલા બેંકના સ્ટાફ, સિક્યોરિટી ગાર્ડ તથા ગ્રાહકોને બંધક બનાવ્યા આ બાદ 22.70 લાખ રૂપિયાની લૂંટ ચલાવી હતી. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. જોકે બાઈક પર ભાગવા જતા લૂંટારૂઓ અને પોલીસ વચ્ચે સામ સામે ફાયરિંગ થયું હતું જેમાં એક લૂંટારૂ ઈજાગ્રસ્ત થઈ જતા પકડાઈ ગયો હતો.
ADVERTISEMENT
લૂંટ આચરી બાઈક પર ભાગ્યા લૂંટારૂ
અંકલેશ્વર પીરામણ નાકા નજીક આવેલી યુનિયન બેંકમાં આજે બપોરના અરસામાં 4 લુંટારુઓ ત્રાટક્યા હતા. જોત જોતામાં આ લૂંટારૂઓએ રૂ.22.70 લાખ જેટલી મત્તાની લૂંટ ચલાવી ફરાર થઇ ગયા હતા. બાઈક ઉપર આવેલ લૂંટારૂઓ લૂંટ ચલાવી નાસી રહ્યા હતા તે દરમિયાન પોલીસને જાણ થતા તેઓ સ્થળ પર દોડી ગયા હતા અને લુંટારુઓનો પીછો કર્યો હતો. લુંટારૂઓ દ્વારા પોલીસ ઉપર ફાયરીંગ કરવામાં આવ્યું હતું જેના વળતા જવાબમાં પોલીસે પણ ફાયરીંગ કર્યું હતું. જેમાં એક શખ્સ ઘાયલ થયો હતો.
પોલીસે કરેલા ફાયરિંગમાં એક લૂંટારૂ ઈજાગ્રસ્ત
પોલીસે ચાર પૈકી 1 લુંટારૂને ઝડપી પાડ્યો હતો જે ઘાયલ હોઈ તેને સારવાર હેઠળ ખસેડાયો છે. બનાવના પગલે તમામ એક્ઝીટ પર નાકાબંધી કરવામાં આવી હતી. આ લુંટની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી. તો લુંટારુઓ જ્યારે નાસી રહ્યા હતા ત્યારે બેન્કની સામે આવેલ એક કોમ્પ્લેક્ષમાં રહેતા રહીશે પોતાના મોબાઈલમાં આ ઘટના કેદ કરી હતી. બનાવની જાણ થતા જ જીલ્લા પોલીસ વડા લીના પાટીલ ઘટનાસ્થળે દોડી ગયા હતા અને તપાસ હાથ ધરી છે.
ADVERTISEMENT