ધનેશ પરમાર.બનાસકાંઠાઃ થરાદ તાલુકામાં રેલ નદીના પટ વિસ્તારમાંના ગામો તેમજ રેલ નદીની આજુબાજુ ખેતરોમાં વસવાટ કરતા લોકોને સ્થળાંતર કરવા થરાદ મામલતદારે આદેશ કર્યા છે. ઉલ્લેખનીય છે કે બિપોરજોય વાવાઝોડાની ગુજરાતની ધરતી સાથે ટક્કર થઈ ગઈ છે. હાલમાં આ ટક્કર સાથે જ લેન્ડફોલને કારણે દરિયો પણ 2થી 3 મીટર ઊંચો થાય તેવી ભીતિ સેવાઈ રહી છે. જેના કારણે દરિયાકાંઠાના લોકોને તો સ્થળાંતર કરવાના આદેશો હતા જ પરંતુ હવે થરાદની રેલ નદીના કિનારાના લોકોને પણ સ્થળાંતર કરવાના આદેશ કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે રેલ નદીમાં વધુ પાણી આવી જાય અને તેના કારણે છેલ્લી ઘડીએ કોઈ જાનમાલની નુકસાની ના ભોગવવાની થાય તેથી જોખમને અગાઉથી જોતા આ નિર્ણય કરવામાં આવ્યો છે. થરાદ તાલુકામાં ફરજ ઉપર તમામ અધિકારીઓને પ્રજાજનોનો ફોન ઉપાડવા માટે આદેશ કરાયા છે. કોઈ અધિકારી ફોન નહીં ઉપાડે તો તેના ઉપર કડક પગલાં લેવામાં આવશે તેવું પણ નિવેદન કલેકટર વરુણ બેનીવાલ દ્વારા આપવામાં આવ્યું છે.
ADVERTISEMENT
જામનગરમાં ભારે પવનમાં વૃક્ષ પડતા પશુઓ ફસાયા, NDRF દ્વારા કરાયું રેસ્ક્યૂઃ Video
ઉપરવાસના વરસાદથી રેલ નદીમાં આવી શકે છે પુર
બિપોરજોય વાવાઝોડું જખૌ બંદર ખાતે લેન્ડફોલ થવાને કારણે થરાદ તાલુકામાં પણ ભારે વરસાદ અને વાવાઝોડાની સંભાવના રહેલી છે. હાલના હવામાન ખાતાના માહિતી મુજબ વાવાઝોડું કચ્છના જખૌ બંદર ખાતેથી રાજસ્થાન તરફ ફંટાવાની શક્યતા રહેલી છે. જેના કારણે રાજસ્થાનના જાલોર જિલ્લામાં તથા ઉપરવાસમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતાઓ રહેલી છે. જેના કારણે રેલ નદીમાં પૂર આવવાની શક્યતા છે, તો રેલ નદીના પટ વિસ્તારના ગામો તથા નદીની આજુબાજુના ખેતરમાં વસવાટ કરતા લોકોએ અને ખેડૂતોએ પશુ અને માલને નુકસાન ન થાય અને સલામત સ્થળે ખસેડી શકાય તેમજ તે અંગેનું આગોતરું આયોજન તથા પૂર્વ પાયાના પગલાં લેવા માટે જિલ્લા કલેકટર અને બનાસકાંઠા એસપીએ રેલ નદી વિસ્તારના પાવડાસણ, ડુવા, ભલાસરા, લોઢનર તથા દુધવા ગામોની મુલાકાત લીધી અને તેના ગામ લોકોને વાવાઝોડુંના સલામતી ભાગરૂપે અન્ય સ્થળે નક્કી કરવા માટે આદેશ કર્યા છે. જેને લઈને થરાદ મામલતદાર દિલીપકુમાર દરજીએ ગુરૂવાર સાંજ સુધીમાં તમામ લોકોને સલામત કરવા તેઓને રહેવાની, જમવાની સગવડ કરવા તમામ પંચાયતો, તલાટીઓને આદેશ કર્યા હતા અને શાળાઓના શિક્ષકોને પણ આદેશ કર્યા હતા.
ADVERTISEMENT