બનાસકાંઠામાં 3 ગઠિયા બન્યા રોબિનહૂડ, પેટ્રોલ પંપનું સ્વાઈપ મશીન ચોરીને ગ્રાહકોને લાખોનું રિફંડ આપી દીધું

ધનેશ પરમાર/બનાસકાંઠા: બનાસકાંઠાના પાલનપુરમાં 3 ‘રોબિનહૂડ’ યુવકોએ પોલીસની ઊંઘ ઉડાડી દીધી છે. રૂ.70નું પેટ્રોલ ભરાવવા આવેલા આ યુવકોએ એવું પરાક્રમ કર્યું છે કે પંપ માલિક…

gujarattak
follow google news

ધનેશ પરમાર/બનાસકાંઠા: બનાસકાંઠાના પાલનપુરમાં 3 ‘રોબિનહૂડ’ યુવકોએ પોલીસની ઊંઘ ઉડાડી દીધી છે. રૂ.70નું પેટ્રોલ ભરાવવા આવેલા આ યુવકોએ એવું પરાક્રમ કર્યું છે કે પંપ માલિક હવે પોલીસ સ્ટેશનના ધક્કા ખાતા થઈ ગયા છે. પાલનપુરમાં ત્રણ ગઠિયાઓએ પેટ્રોલ પંપ માલિકનાં સ્વાઇપ મશીનની ચોરી કરી અને તેમાંથી દિવસ દરમિયાન પેટ્રોલ ભરાવ્યા બાદ આવેલા 2.50 લાખ રૂપિયા પેટ્રોલ પુરાવનારા ગ્રાહકોના ખાતામા પાછા જમાં કરાવી દીધા હતા.

રાત્રે 3.30 વાગ્યે આવેલા ગઠિયા સ્વાઈમ મશીન ચોરી ગયા
આ મામલે પાલનપુરમાં શિવ ફ્યુઅલ પેટ્રોલપંપ મેનેજર હાર્દિકભાઈ ચૌધરીએ સાઇબર ક્રાઇમમાં નોંધાવેલી ફરિયાદ મુજબ ગત 21 એપ્રિલે પેટ્રોલ પંપ પર એક્ટિવા લઇ ત્રણ ઈસમો રાત્રિના 3:30 વાગ્યે પેટ્રોલ પુરાવા આવ્યા હતા. જેમાં પેટ્રોલ પંપ પર કામ કરતા સુનિલભાઈ મકવાણા અને અંકિતભાઈ ઠાકોરે તેઓના એકટીવામાં રૂપિયા 70 નું પેટ્રોલ પૂર્યું હતું. જે બાદ વહેલી સવારે 5:00 વાગ્યા આસપાસ અન્ય વાહન ડીઝલ પુરાવા આવતા રાત્રી સમયના કર્મચારીઓએ સ્વાઇપ મશીનની જરૂર પડતા તે શોધ્યું હતું પરંતુ આ સ્વાઇપ મશીન મળ્યું નહીં. જોકે તે બાદ આ અજબ ચોરીની ફરિયાદ સાયબર ક્રાઇમ રૂપે પાલનપુર પોલીસમાં નોંધાઈ હતી અને પોલીસે તપાસ હાથ ધરી હતી. બેંકમાં પણ પેટ્રોલ પંપ મેનેજર દ્વારા આ ચોરાયેલા સ્વાઈપ મશીનને બ્લોક કરવા માટે અરજી આપી હતી.

19 દિવસ સુધી ગ્રાહકોને રિફંડ આપતા રહ્યા
ચોરી બાદ અંદાજિત 19 દિવસ દરમિયાન આ સ્વાઇપ મશીનનું એકાઉન્ટ સતત ખાલી થતું હતું અને આ રકમ આ જ પેટ્રોલ પંપ પર પેટ્રોલ પુરાવેલા વિવિધ ગ્રાહકોના ખાતામાં પરત જમા થતી હતી. આમ ચોરી કરનારા 3 ઠગોએ પેટ્રોલ પંપના માલિકને લાખોનો ચુનો લગાવી દીધો અને છેતરપિંડી કરીને રકમ પોતે ન વાપરતા ગ્રાહકોને પરત કરી દીધી હતી.

પોલીસ હવે ગ્રાહકોને શોધવા કામે લાગી
આ છેતરપિંડીના મામલામાં સાઇબર ક્રાઇમના પીઆઈ બી.પી મેઘલાતર માટે હવે આ કેસની તપાસ ભારે દોડધામ અને પરસેવો પાડનારી બનશે. કેમકે પેટ્રોલપંપ પર 24 કલાક દરમ્યાન જે-જે ગ્રાહકોએ પેટ્રોલ કે ડીઝલ પુરાવ્યું હશે. તેઓની ઓળખ પ્રસ્થાપિત કરવી પડશે, જેમાં 50 થી 200 રૂપિયા સુધી પેટ્રોલ પુરવનારા અનેક ગ્રાહકોના ખાતામાં ચોરીનાં અઢી લાખ રિફંડ થયા છે. આ ગ્રાહકો પાસેથી તેમના ખાતામાં રિફંડ થયેલ રકમ “ચોરીનો મુદ્દામાલ “છે. જે પરત મેળવવો જરૂરી છે. આ ગ્રાહકો કોણ હતા તે શોધવા સીસીટીવી આધારે અને ગ્રાહકોના વિવિધ બેંકનાં ખાતા શોધી, બેંકમાં જઈ એક એક ગ્રાહક શોધવો પડશે અને તેમને સમજાવી તેમના ખાતામાં રિફંડ થયેલી રકમ પરત લાવવા પોલીસને નાકે દમ આવશે.

    follow whatsapp