ધનેશ પરમાર/બનાસકાંઠા: આવતીકાલે રાજ્યભરમાં જુનિયર ક્લાર્કની પરીક્ષા યોજાવાની છે. આ પરીક્ષામાં 9 લાખથી પણ વધુ ઉમેદવારો હાજર રહેવાની શક્યતા છે. એવામાં રાજ્યમાં ઘણા સ્થળોએ ઉમેદવારોને મદદ માટે લોકો આગળ આવી રહ્યા છે. ત્યારે બનાસકાંઠાના ધાનેરામાં રીક્ષા એસોસિયન દ્વારા અનોખી પહેલ કરવામાં આવી છે. ધાનેરા રીક્ષા એસોસિયન દ્વારા જુનિયર ક્લાર્કની પરીક્ષા આપવા આવેલા ઉમેદવારો પાસેથી કોઈપણ પ્રકારનું ભાડું લેવામાં નહીં આવે અને તેમને પરીક્ષા સ્થળે મફતમાં મૂકવામાં આવશે તેવો નિર્ણય કર્યો છે.
ADVERTISEMENT
ધાનેરામાં 2600 ઉમેદવારો કાલે આપશે પરીક્ષા
બનાસકાંઠાના સરહદીય ધાનેરામાં શહેરમાં આવતીકાલે યોજનાર જુનિયર ક્લાર્કની પરીક્ષાને લઈને ધાનેરા રીક્ષા એસોસિયાને મહત્વનો નિર્ણય કર્યો છે. ધાનેરા પોલીસ અને રીક્ષા એસોસિયન વચ્ચે થયેલી બેઠકમાં માનવતા ઉભરી આવી છે. ધાનેરામાં 2600 જેટલા ઉમેદવારો આવતીકાલે પરીક્ષા આપવા આવવાના હોવાને લઈને મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. બસ સ્ટેન્ડ કે અન્ય જગ્યાએથી ઉમેદવારોને પરીક્ષા કેન્દ્રો સુધી પહોંચાડવા રીક્ષા એસોસીએન દ્વારા પરિક્ષાર્થીઓ પાસેથી ભાડું નહિ વસૂલવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તમામ રિક્ષા ઉપર હાલ પોલીસ અને રીક્ષા ચાલકો દ્વારા પોસ્ટર મારી જાગૃતતા કરવામાં આવી રહી છે.
પોલીસે ભાડું ઓછું રાખવા અપીલ કરી હતી
ધાનેરા પોલીસ ઇન્સ્પેક્ટર એ.ટી પટેલ અને તેમની ટીમ દ્વારા રિક્ષા એસોસિએશન જોડે મીટીંગ કરવામાં આવી હતી અને ન્યૂનતમ ભાડું રીક્ષા લોકોને નક્કી કરવા માટે કહેવામાં આવ્યું હતું. પરંતુ રીક્ષા ચાલકોએ ઉમેદવારો માટે ભાડું ફ્રી કરવાનો નિર્ણય કરતા ધાનેરા રીક્ષા એસોસિએશની અનોખી પહેલને ધાનેરા પોલીસ દ્વારા પણ બિરદાવામાં આવી છે.
ADVERTISEMENT