Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં ખાનગી કન્સ્ટ્રક્શન કંપનીમાં સિવિલ એન્જીનિયર તરીકે નોકરી કરતા એક 25 વર્ષીય દલિત યુવકને બેરહમીથી પાંચ જેટલા યુવકોએ માર માર્યો હતો. દલિત યુવક ડીઝલ ચોરી કરતો હોવાની શંકા રાખીને યુવકોએ તેને ઢોર માર માર્યો હતો. જેમાં યુવકને ફ્રેકચર સહિતની ઈજાઓ સાથે પાલનપુર સિવિલમાં સારવાર અર્થે દાખલ કરાયો છે. પાંચેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધીને પાલનપુર પૂર્વ પોલીસ તપાસ ચલાવી રહી છે.
ADVERTISEMENT
ડીઝલ ચોરીની શંકાએ સિવિલ એન્જિનિયર પર હુમલો
હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા પીડિત પાર્થ કુમાર જેસુંગભાઈએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે પાલનપુરની ખાનગી કપની જી.પી.સી કન્સ્ટ્રક્શન કંપનીમાં સિવિલ એન્જીનિયર તરીકે નોકરી કરે છે. ગત 28 સપ્ટેમ્બરનાં રોજ તેના ઘેર, આ કંપનીમાં કામ કરતા અન્ય લોકો આવ્યા હતા અને ‘ધાર્મિકભાઈ ચૌધરીનો જન્મદિવસ છે. સવેરા હોટલમાં પાર્ટી કરવાની છે’ તેમ કહી ગાડીમાં બેસાડી લઈ ગયા હતા. બાદમાં પાર્થને પાલનપુર એરોમા સર્કલનાં ગોળાઈ વાળા બ્રિજ પર લઈ જઈ, ધમકીઓ આપીને કહેલું કે, તે ડીઝલની ચોરી કરી છે. અમે ડીઝલ ચોરી કરતા ઝડપેલા ભરત ઠાકોર દ્વારા તારું નામ આપવામાં આવેલું છે. તેમ કહી જાતિ વિશે અપમાનજનક શબ્દો બોલી, ધોકાઓ અને બેલ્ટ વડે માર માર્યો હતો. જે બાદ ઘાયલ થતા પાર્થને પાલનપુર હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયો છે.
યુવકે 5 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી
પીડિત પાર્થ કુમાર જેસુંગભાઈ દલિત છે. જેઓની ફરિયાદ આધારે પાલનપુર પશ્ચિમ પોલીસે પાલનપુર સિવિલમાં ઓર્થોપેડિક વિભાગમાં રૂબરૂ જઈ પીડિતની કેફિયત મુજબ આરોપી ધાર્મિક ચૌધરી, વિશ્વજીત સચિન, આકાશ ચૌધરી, વિકાસ ચૌધરી, રમેશ ચૌધરીનાઓ વિરૂદ્ધ IPC કલમ 323, 325, 294, 506(2), 143, 147, 148 મુજબ ફરિયાદ નોંધી છે. જેમાં પીડિત દલિત હોવાથી પોલીસે એટ્રોસિટી એક્ટનો વધારાનો ચાર્જ પણ આરોપીઓ પર લગાવ્યો છે. જ્યારે બીજી તરફ આ ઘટનાથી દલિત સમાજમાં ભારે આક્રોશ ફેલાયો છે.
(બનાસકાંઠા, ધનેશ પરમાર)
ADVERTISEMENT