ધનેશ પરમાર.બનાસકાંઠા: બનાસકાંઠાના ભીલડી ખાતે એમબીબીએસ ડિગ્રી ધારક એક તબીબ પોતાના સોનોગ્રાફી મશીન વડે ગેરકાયદેસર રીતે ગર્ભ પરિક્ષણ કરતો હોવાની બાતમી રાજસ્થાન PCPNDT ટીમને મળી હતી. જેમાં ડીકોય ગોઠવી તબીબ અને દલાલને ભૃણ પરિક્ષણ કરતાં રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યા હતા.
ADVERTISEMENT
શિક્ષિત ડોક્ટરની હરકત શરમજનક
આમ તો આપણે વિશ્વગુરુ બનવા નીકળ્યા છીએ પરંતુ હજુ પણ એવા લોકો છે તેઓની તુચ્છ માનસીકતા કે ગર્ભ પરિક્ષણ કરીને દીકરી છે કે દિકરો જાણવું અને ભૃણ હત્યા કરવી તેમાં હજુ પણ ઘણા માને છે. દીકરીઓ ક્યાંય દિકરાઓ કરતાં પાછળ નથી અને તેમની સક્ષમતાને કોઈ નકારી શકે તેમ નથી ત્યારે આજના જમાનામાં આવી હલકી માનસિકતા ધરાવતા લોકો તો ઘણા છે પરંતુ જ્યારે કોઈ શિક્ષિત વ્યક્તિ તેમનો ટેકો બને અને તે પણ માત્ર થોડા રૂપિયા કમાવાની લાલચે તો તેના માટે કયો શબ્દ પ્રયોગ કરવો તે જ સુજે નહીં. અહીં ઝડપાયેલા તબીબ અને દલાલને ઝડપી પાડવા પ્રથમ બાતમી આધારે ડીકોય ગોઠવાઈ હતી. જેમાં ઇનપુટ હતા કે રાજસ્થાનના રેવદર ખાતે રહેતી જમનાદેવી એક તબીબની મદદથી ગર્ભવતી મહિલાઓનું ભૃણ પરિક્ષણ કરાવી પૈસા મેળવતી હતી.
કેવી રીતે છટકું ગોઠવાયું, ડોક્ટર પહેલા પણ પકડાયો હતો
ડીકોય ગોઠવી એક ગર્ભધારક મહિલા દર્દીને પ્રથમ દલાલ જમનાબાઈ પાસે મોકલી ગર્ભ પરિક્ષણની વાત કરાઈ હતી. જેથી લાલચમાં આવેલ જમનાબાઈએ રાજસ્થાનથી ડીસા તાલુકાના ભીલડી ગામે રહેતા એમબીબીએસ તબીબ ડો. કે. બી. પરમારનો સંપર્ક કર્યો હતો. તે બાદ તબીબની સમંતી મળતા જમનાબાઈ દર્દીને ભીલડી ગામે રહેતા એમબીબીએસ તબીબ ડો. કે. બી. પરમારની હોસ્પિટલ પર લઈ આવી હતી. જ્યાં ગર્ભ પરિક્ષણ પેટે તબીબે રૂ. 40,000 તેમજ દલાલ જમનાબાઈને દલાલી પેટે રૂ 10,000 ચૂકવ્યા હતા અને ડોક્ટર દ્વારા તે બાદ ગર્ભ પરિક્ષણ કરાયું હતું. દરમિયાન પરિક્ષણ પછી ગર્ભમાં પુત્ર હોવાનું જાહેર કરાયું હતું. જોકે તે બાદ તુરંત જ રાજસ્થાન PCPNDT ટીમે આ બંન્ને આરોપી એવા ડોક્ટર અને દલાલ મહિલાને ઝડપી પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આ કામના ઇન્વેસ્ટીગેસન ટીમ તપાસમાં આ તબીબ બીજી વખત ગર્ભ પરિક્ષણ કરતાં ઝડપાયો હોવાનું બહાર આવ્યું છે. જેમાં તબીબનું સોનોગ્રાફી મશીન સિલ કરાઈ તપાસ હાથ ધરાઇ છે. તમામ આરોપીઓ પર પ્રી-કન્સેપ્શન એન્ડ પ્રિ-નેટલ ડાયગ્નોસ્ટિક ટેકનિક (PCPNDT) એક્ટ, 1994ની વિવિધ કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
ADVERTISEMENT