ધાનેશ પરમાર.બનાસકાંઠાઃ બનાસકાંઠાના થરાદ ખાતે થરાદ અને વાવ કોંગ્રેસના ઉમેદવારોના સમર્થનમાં કોંગ્રેસની જંગી જાહેર સભા યોજાઈ હતી . જે જાહેર સભાને સંબોધવા પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ જગદીશ ઠાકોર પહોંચ્યા હતા. જેઓએ તેમજ કાર્યકારી પ્રમુખ જીગ્નેશ મેવાણીએ ભાજપ પર આકરા પ્રહારો કરી કોંગ્રેસનેં જંગી બહુમતીથી જીતાડવા લોકોનેં હાંકલ કરી છે. જોકે અહીં સ્થિતિ એવી જોવા મળી હતી કે કોંગ્રેસની અપેક્ષા કરતા વધુ લોકો સભામાં આવી ગયા હોય તેમ મંડપ હતો તેના કરતાં ત્રણ ગણો વધારે બાંધવામાં આવ્યો હોત તો પણ ઓછો પડતો. કોંગ્રેસની ચૂંટણી પ્રચાર દરમિયાનની સભામાં જંગી ભીડ ઘણા લાંબા સમય પછી જોવા મળી છે.
ADVERTISEMENT
જગદીશ ઠાકોરે ભાજપના ઉમેદવારોને ઘેટા સાથે સરખાવ્યા
વિધાનસભાની ચૂંટણીઓને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે તે વચ્ચે ભાજપ હોય, આપ હોય, કોંગ્રેસ હોય કે, AIMIM તમામે પોતાના દિગ્ગજ નેતાઓને ચૂંટણી પ્રચાર માટે મેદાને ઉતારી દીધા છે ત્યારે આજે થરાદ ખાતે વાવ વિધાનસભાના ઉમેદવારોને જીતાડવા કોંગ્રેસની જંગી જાહેરસભા યોજાઈ મહત્વની વાત છે કે પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ જગદીશ ઠાકોરના અધ્યક્ષ સ્થાને યોજાયેલી જંગી જાહેરસભામાં હજારોની સંખ્યામાં થરાદ તેમજ વાવના મતદારો ઉમટ્યા અને હજારોની જનમેદનીને સંબોધતા પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોરે ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. ભાજપના કેટલાક ઉમેદવારોને ઘેટાં સાથે સરખાવી દીધા અને કહ્યું કે કેટલાક વધારે ઉનવાળા ઘેટા આવે તો તેમનું ઉન કાતરી લેજો અને ઘર ભેગા કરી દેજો પણ વોટ તો કોંગ્રેસને જ આપજો.
થરાદના ઉમેદવાર ગુલાબસિંહના ભાજપના શંકર ચૌધરી પર નામ લીધા વગર પ્રહાર
તો બીજી તરફ થરાદ ધારાસભ્ય અને થરાદ વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસમાંથી ચૂંટણી લડી રહેલા ગુલાબસિંહ રાજપુતતે પણ તેમની સામે ભાજપ તરફ થી ચૂંટણી લડી રહેલા શંકરભાઈ ચૌધરીનું નામ લીધા વગર આકરા પ્રહારો કર્યા અને કહ્યું કે આપણા ઘરે મહેમાન આવે તો ચા નાસ્તો કે રોટલા પડ્યા હોય તો ખવડાવાય પરંતુ તેમને ઘરની ચાવી ન સોંપી દેવાય. તેવું કહી ગુલાબસિંહ દ્વારા પોતાની પાઘડી ઉતારી હજારોની મેદની ને અપીલ કરાઈ હતી કે આ મારી પાઘડીની આગામી પાંચ તારીખના મતદાન સુધી ઈજ્જત રાખજો, તે બાદ પાંચ વર્ષ આ પંથકની જવાબદારી ઈમાનદારીથી હું નિભાવીશ.
લોકોની ભીડ કોંગ્રેસનો મતદાર બનશે?
જોકે ચૂંટણીઓને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે તે વચ્ચે જ હજારોની જનમેદની સાથે યોજાયેલી કોંગ્રેસની આ જંગી જાહેરસભા અત્યારે તો સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બની છે પરંતુ હવે પ્રજા આ વિસ્તારમાંથી કોને જીતાડે છે તે તો ચૂંટણી પરિણામ બાદ જ જોઈ શકાશે. કારણ કે કરંટ અને અંડર કરંટને સમજવો પણ એટલો જ જરૂરી છે અને આ લોકોની ભીડ કોંગ્રેસ માટે મતદાર બને છે કે કેમ તે અંડર કરંટ ચૂંટણી પરીણામ વખતે જાણી શકાશે.
ADVERTISEMENT