વડોદરા : શહેરના છેવાડે આવેલા સેવાસી પાસેના એક ફાર્મમાં 17-18 ફેબ્રુઆરીએ સિદ્ધેશ્વરધામ સરકારના આદર્શ કૃષ્ણ શાસ્ત્રીના દિવ્ય દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. દિવ્ય દરબારમાં પણ બાબા બાગેશ્વરની જેમ પરચી દ્વારા લોકોના દુખ દુર કરવાનો દાવો કરવામાં આવ્યો હતો. જો કે પુર્ણાહુતીના દિવસે એક વ્યક્તિ દરબારમાં પહોંચ્યો અને શાસ્ત્રીજી સમક્ષ બેસીને પોતાનું નામ અને પિતાનું નામ જણાવવાનો પડકાર ફેંક્યો હતો. જો કે શાસ્ત્રીજીએ તેનું તથા તેના પિતાનું નામ જણાવવાનો ઇન્કાર કરી દીધો હતો. બીજા લોકોને આવવા માટે જણાવ્યું હતું. ત્યાર બાદ આ સમગ્ર મામલો વિવાદિત થયો હતો.
ADVERTISEMENT
દરબારને સફળતા નહી મળતા બાબા ધુંધવાયેલા હતા
આ દરબારને પહેલાથી જ ધારી સફળતા નહી મળવાના કારણે બાબા ધુંધવાયેલા હતા. તેમાં સુથારી કામ કરતા એક વ્યક્તિએ આદર્શ કૃષ્ણ શાસ્ત્રીને પોતાનું નામ તથા તેના પિતાનું નામ જણાવવાનું કહીને ખુલ્લા પાડી દીધા હતા.જેના કારણે બંન્ને વચ્ચે 5 મિનિટ સુધી ઉગ્રબોલાચાલી થઇ હતી. હાલ તો આ સમગ્ર ઘટનાક્રમનો વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.
ગ્રાહક બાંધવા આવ્યા હતા બાબા
આ દરબારમાં સોમા તળાવનો એક વ્યક્તિ દીકરીનો પ્રશ્ન લઇને આવ્યો હતો. જો કે બાબાએ તેનો ઉકેલ આપવાના બદલે જણાવ્યું કે, 21 વખત દરબારમાં હાજરી આપવી પડશે ત્યાર બાદ જ દીકરીની સમસ્યાનો તેઓ ઉકેલ લાવશે. જેથી સામે વાળી વ્યક્તિ શ્રધ્ધાળુ હોવાથી હાં હાં કરીને ચાલતી પકડી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, મધ્યપ્રદેશના વતની આ બાબાના ધામમાં 21 વખત જાય તો તે વ્યક્તિ આર્થિક રીતે પાયમાલ થઇ જાય. તેથી શાસ્ત્રીજી લોકોને ગેરમાર્ગે દોરે છે.
ભાજપના આગેવાન દ્વારા કરાયું હતું આયોજન
મળતી માહિતી અનુસાર વડોદરામાં ભાજપના અગ્રણી અને વડોદરા કોર્પોરેશનના પૂર્વ સ્થાયી સમિતિના ચેરમેન ડૉ. હિતેન્દ્ર પટેલના સહયોગથી જિયા ફાઉન્ડેશનના નિલેશ કુમાર સોલંકી રવિકુમાર સોલંકી દ્વારા દરબારનું આયોજન કરાયું હતું. આયોજકો દ્વારા દિવ્ય દરબારને સફળ બનાવવા માટે લાખોનો ખર્ચો કરાયો હતો. શહેરમાં ઠેર ઠેર હોર્ડિંગ મરાયા હતા.
ADVERTISEMENT