Ayodhya Ram Mandir: અયોધ્યાના નવા રામ મંદિરમાં 22 જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે. આ કાર્યક્રમમાં પીએમ મોદી સહિત દેશ અને દુનિયાના અનેક દિગ્ગજ નેતાઓ, ઉદ્યોગપતિઓ, ફિલ્મસ્ટારો, સાધુ-સંતો હાજર રહેશે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના જણાવ્યા અનુસાર, પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ બાદ રામ મંદિર સામાન્ય શ્રદ્ધાળુઓ માટે ખોલી દેવામાં આવશે. રામ મંદિર (Ram Mandir)માં સામાન્ય લોકો ક્યારે દર્શન કરી શકશે? શું દર્શન માટે ઓનલાઈન અરજી કરવી પડશે? આરતીનો સમય શું છે? ચાલો તમને જણાવીએ રામ મંદિર સાથે જોડાયેલા આવા તમામ સવાલોના જવાબ…
ADVERTISEMENT
કોણ સંભાળશે મંદિર?
રામ મંદિરનું સંચાલન શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ ટ્રસ્ટની સ્થાપના સુપ્રીમ કોર્ટના આદેશ બાદ કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવી હતી. ટ્રસ્ટ મંદિરના નિર્માણ પર પણ નજર રાખી રહ્યું છે. દેશની પ્રખ્યાત કન્સ્ટ્રક્શન કંપની લોર્સમ એન્ડ ટુબ્રો દ્વારા મંદિરનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે.
સામાન્ય લોકો ક્યારથી કરી શકશે દર્શન?
22મી જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠાના પછીના દિવસે એટલે કે 23 જાન્યુઆરીએ સામાન્ય શ્રદ્ધાળુઓ રામલલાના દર્શન કરી શકશે. ટ્રસ્ટના જણાવ્યા અનુસાર, 22 જાન્યુઆરીએ સામાન્ય ભક્તો માટે દર્શન માટે કોઈ વ્યવસ્થા નથી. બીજા દિવસથી તેમના માટે કપાટ ખુલી જશે.
મંદિર ક્યાં સુધી ખુલ્લું રહેશે?
અયોધ્યા રામ મંદિર સવારે 7:00થી 11:30 અને ત્યારબાદ બપોરે 2:00થી સાંજના 7:00 વાગ્યા સુધી ખુલ્લું રહેશે. બપોરે લગભગ અઢી કલાક સુધી મંદિર ભોગ અને વિશ્રામ માટે બંધ રહેશે.
રામ મંદિરમાં આરતીનો સમય શું છે?
રામ મંદિરમાં રામલલાની દિવસમાં ત્રણ વખત આરતી થાય છે. પ્રથમ – સવારે 6:30 વાગ્યે, જેને શ્રૃંગાર આરતી કહેવામાં આવે છે. બીજું – બપોરે 12:00 કલાકે જેને ભોગ આરતી કહેવામાં આવે છે અને ત્રીજી સાંજે 7:30 કલાકે જેને સંધ્યા આરતી કહેવામાં આવે છે.
આરતીમાં કેવી રીતે ભાગ લઈ શકાય?
અયોધ્યાના રામ મંદિરમાં આરતીમાં ભાગ લેવા માટે શ્રી રામ મંદિર તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ પાસેથી પાસ લઈ શકાય છે. પાસ માટે માન્ય ઓળખ કાર્ડ (આઈડી પ્રૂફ) હોવું જરૂરી છે. ટ્રસ્ટના જણાવ્યા અનુસાર એક સમયે માત્ર 30 લોકો જ આરતીમાં ભાગ લઈ શકશે.
મંદિર ક્યારે સંપૂર્ણ રીતે તૈયાર થશે?
નાગર શૈલીમાં બની રહેલા ત્રણ માળના રામ મંદિરનું નિર્માણ કાર્ય આ વર્ષે ડિસેમ્બર સુધીમાં પૂર્ણ થઈ જશે. મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ અને પૂર્વ અમલદાર નૃપેન્દ્ર મિશ્રાના જણાવ્યા અનુસાર, મંદિરનું નિર્માણ લગભગ અંતિમ તબક્કામાં પહોંચી ગયું છે. મિશન મોડમાં કામ ચાલી રહ્યું છે.
ADVERTISEMENT