Ahmedabad News: સામાન્ય રીતે ચૂંટણી સમયે ટિકિટ માટે રાજકીય નેતાઓ સાથે છેતરપિંડીની ઘટનાઓ બનતી હોવાની વાતો સામે આવતી રહે છે. પણ અત્યારે અચાનક આ પ્રકારની ઘટના સામે આવી છે. જેમાં ભાજપના પ્રદેશ મંત્રી સાથે ભાજપ અધ્યક્ષ સી.આર પાટીલે પાર્સલ મોકલ્યું હોવાનું કહીને ફ્રોડ કરવાનો પ્રયાસ થયો છે. જે બાદ ભાજપે કાર્યકરો માટે સૂચના જાહેર કરીને આ પ્રકારના પાર્સલ ન લેવા જણાવ્યું છે.
ADVERTISEMENT
ભાજપના મંત્રીને પાટીલના નામથી પાર્સલ આવ્યા
છેલ્લા કેટલાક સમયથી ઓનલાઈન છેતરપિંડીના કિસ્સાઓ વધી રહ્યા છે. ત્યારે હવે ભાજપ અધ્યક્ષ સી.આર પાટીલના નામે છેતરપિંડીના પ્રયાસની ઘટના સામે આવી છે. ભાજપના પ્રદેશ મંત્રી શીતલબેન સોનીએ પોતાના સોશિયલ મિડિયા એકાઉન્ટ પર પોસ્ટ કરીને કાર્યકરોને ચેતવ્યા છે. તેમના કહેવા પ્રમાણે તેમને એક પાર્સલ આવ્યું હતું જે ભાજપ અધ્યક્ષ સી.આર પાટીલે મોકલ્યું હતું અને પાર્સલ છોડાવવા માટે 1500 રૂપિયા માંગવામાં આવ્યા હતા. જેના કારણે તેમને શંકા ગઈ અને તેમણે ભાજપ અધ્યક્ષ સી.આર પાટીલના કાર્યાલય પર સંપર્ક કરીને વિગતો મેળવી. તો એમના કાર્યાલયથી આ પ્રકારનું કોઈ પાર્સલ મોકલવામાં નહોતું આવ્યું.
પાર્સલ આવ્યાનું કહીને 1500 રૂપિયાની માગણી
ત્યારબાદ તેમણે પ્રદેશ અધ્યક્ષને પણ જાણ કરી અને સોશિયલ મિડિયા એકાઉન્ટ પર પોસ્ટ કર્યું હતું. જે બાદ ભાજપના બીજા 2-3 નેતાઓ સાથે આ પ્રકારની ઘટના થયાની જાણ થઈ પણ કોઈએ 1500 રૂ. આપીને પાર્સલ છોડાવ્યા નહોતા. જો કે આ મામલે હજુ સત્તાવાર કોઈ પોલીસ ફરિયાદ કરવામાં નથી આવી પણ ભાજપ અધ્યક્ષના નામે આવી છેતરપિંડી કરવાનો કોણ પ્રયાસ કરી રહ્યું છે તે પોલીસ તપાસ કરે તો જ બહાર આવશે.
ADVERTISEMENT