અમદાવાદ: શહેરના સાબરમતી વિસ્તારમાં કાળીગામમાં બુટલેગરના ઘરે રેડ પાડવા ગયેલી પોલીસ પર હુમલો થયો હોવાની ઘટના સામે આવી છે. બુટલેગરની પત્ની, માતા અને બહેને મહિલા પોલીસકર્મીને માર માર્યો હતો. જે બાદ પોલીસે બુટલેગર સહિત ચારેય લોકોની ધરપકડ કરી લીધી છે.
ADVERTISEMENT
ઘરમાં દારૂ વેચતા બુટલેગરને લઈ જતા સમયે પોલીસ પર હુમલો
ઘટનાની વિગતો મુજબ, સાબરમતી પોસલીસને કાળીગામમાં દીપક નામનો વ્યક્તિ ઘરમાં દારૂ વેચતો હોવાની બાતમી મળી હતી. જેથી પોલીસની ટીમ રેડ પાડવા ગઈ હતી. ત્યારે દીપક દારૂ વેચતા પકડાયો હતો. પોલીસ આરોપીને જીપમાં બેસાડી રહી હતી ત્યારે જ તેની પત્ની, માતા અને બહેન ઘરમાંથી બહાર આવી અને બુમાબુમ શરૂ કરી દીધી. આ બાદ તેમણે મહિલા પોલીસકર્મીના વાળ ખેંચીને તેમની સાથે ઝપાઝપી કરી અને ગાલ પર લાફા મારી દીધા હતા.
બુટલેગરની માતા, પત્ની અને બહેનની ધરપકડ
એવામાં ત્યાં હાજર પોલીસ કર્મચારીઓ દોડી આવ્યા હતા અને વધારાની પોલીસને બોલાવીને બુટલેગર દીપક, તેની પત્ની, માતા અને બહેન તમામને પોલીસ સ્ટેસન લઈ જવાયા હતા. આ મામલે મહિલા પોલીસકર્મીની ફરિયાદના આધારે પોલીસે ચારેય વિરુદ્ધ ગુનો નોંધીને તેમની ધરપકડ કરી લીધી હતી.
અગાઉ હોમગાર્ડ પર થયો હતો હુમલો
નોંધનીય છે કે, આ પહેલા શહેરના રામોલ વિસ્તારમાં પણ બુટલેગરોએ તેના સાગરીતો સાથે મળીને હોમગાર્ડ જવાનના ઘરે જઈને હુમલો કર્યો હતો. તલવાર, લોખંડની પાઈપો સાથે આવેલા બુટલેગરે હુમલો કરતા હોમગાર્ડ ઈજાગ્રસ્ત થયો હતો. સાથે તેણે વાહનોમાં પણ તોડફોડ કરી હતી.
ADVERTISEMENT