બિલકિસ બાનોના દીયર અને ભત્રીજા પર રૂ.30ની પાવતી માટે લીમખેડા હાટ બજારમાં જીવલેણ હુમલો

શાર્દુલ ગજ્જર/ગોધરા: બહુચર્ચિત બિલકિસ બાનો કેસમાં તેમના સાક્ષી અને કૌટુંબિક દિયર તેમજ તેમના ભત્રીજા ઉપર નજીવી બાબતે લીમખેડાના હાટ બજારમાં 6 થી 7 લોકોનો હુમલો…

gujarattak
follow google news

શાર્દુલ ગજ્જર/ગોધરા: બહુચર્ચિત બિલકિસ બાનો કેસમાં તેમના સાક્ષી અને કૌટુંબિક દિયર તેમજ તેમના ભત્રીજા ઉપર નજીવી બાબતે લીમખેડાના હાટ બજારમાં 6 થી 7 લોકોનો હુમલો કર્યો હોવાનો બનાવ બન્યો છે. જેમાં બિલકિસના દિયરને પગમાં ફ્રેક્ચર થયું છે અને હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયા છે, જ્યારે તેમના દીકરાને ગંભીર ઈજાઓ પહોંચતા ઝાયડસ હોસ્પિટલ ખસેડાયા છે.

ગેટ પાસને લઈને થયો ઝઘડો
દાહોદ જિલ્લાના સીંગવડ તાલુકાના રણધીકપુર ગામના અજીત ઘાંચી પશુઓ લે વેચનો ધંધો વેપાર કરે છે. તેઓ 30મી એપ્રિલના રોજ લીમખેડા ખાતે હાટ બજારમાં બકરાની ખરીદી કરવા માટે આવ્યા હતા. જ્યાં ત્રણ બકરાઓની ખરીદી તેમને કરી હતી અને ગેટ પાસ માટે ગેટ ઉપર ઉભેલા યુવક પાસે 500 રૂપિયાની નોટ આપી હતી. ત્યાં ઊભેલા ઉમેશભાઈએ ₹30 છૂટા આપો તેમ કહ્યું હતું. અજીતભાઈએ છુટ્ટા રૂપિયા ન હોવાથી તેણે ‘પાવતીના પાછળ ₹470 રૂપિયા બાકી લખી દો, હું પછી લઈ લઈશ’ કહ્યું. ત્યારબાદ આરોપી ઉમેશભાઈએ કહ્યું કે, તમે રણધીકપુરવાળા બધા કોર્ટ-કચેરી અને પોલીસ સ્ટેશન જવાની ટેવ વાળા છો, તમારી કાયમની માથાકૂટ છે, તું આ પાવતી લઈને પણ કોર્ટ કચેરી અને પોલીસ સ્ટેશનમાં જઈશ, મારે તને હાટમાં પ્રવેશ આપવો નથી.

પિતા-પુત્ર પર 6 લોકોએ કર્યો હુમલો
આ બાદ બંને વચ્ચે બોલાચાલી થતા ઉમેશભાઈ અને બીજા એક માણસે અજીતભાઈ અને તેમના પુત્રને માર મારવાનો ચાલુ કરી દીધું. થોડીવાર પછી બીજા પાંચ-છ આરોપીઓ આવેલા અને અજીતભાઈને પગ ઉપર પાઇપ મારેલી જેથી ફરિયાદીના પગમાં ફ્રેક્ચર થઈ ગયું. તેમના પુત્ર આસિફને પણ ગડદાપાટુનો માર મારતા માથામાં ઇજા થઈ હતી. ત્યારે બંને પિતા પુત્રોને ઈજાગ્રસ્ત હાલતમાં લીમખેડાના સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા. પરંતુ અજીત ઘાંચીને પગના ભાગમાં ફેક્ચર હોવાના કારણે તેને તાત્કાલિક દાહોદના ઝાયડસ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો અને તેના પુત્ર આસિફ અજીત ઘાંચીને પણ ઝાયડસ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લાવવામાં આવ્યો હતો.

પોલીસએ દોષિતોને પકડવા ચક્રો ગતિમાન કર્યા
બંને પિતા-પુત્ર દાહોદના ઝાયડસ હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહ્યા છે. ત્યારે આ ઘટનાની જાણ દાહોદ જિલ્લા પોલીસવડા બલરામ મીણાને થતા તેઓએ આ ઘટનાને ગંભીરતાથી લઈ દાહોદ ડિવિઝનના એએસપી જગદીશ બાંગરવાને ઝાયડસ હોસ્પિટલ ખાતે તપાસ અર્થે મોકલ્યા હતા. તેમજ એલસીબી તેમજ જિલ્લાની અન્ય સ્કોર્ડની ટીમોને જિલ્લા પોલીસવડાએ લીમખેડા ખાતે મોકલી સમગ્ર મામલાની તલસ્પર્શી તપાસ કરી દોષિતો સામે કડક રીતે કાર્યવાહી કરવા નિર્દેશ કર્યા હતા. પોલીસ ટીમ તપાસ અર્થે લીમખેડા જવાં રવાના થઈ ગઈ છે.

    follow whatsapp