Gujarat Rainfall: ગુજરાતમાં રવિવારે સવારથી જ સાર્વત્રિક વરસાદનો માહોલ છવાયો હતો. બપોર સુધીમાં અનેક સ્થળોએ વરસાદના દ્રશ્યો સામે આવ્યો છે. વરસાદ દરમિયાન વીજળી પડવાની જુદી જુદી ઘટનામાં કુલ 11 લોકોના મોત થયાનું સામે આવ્યું છે. જ્યારે 21 જેટલા પશુઓના મોત થયા છે. રાજકોટના ખંઢેરી સ્ટેડિયમમાં ભારે પવન સાથે વરસાદ ફૂંકાતા મોટું નુકસાન થયું છે. જેમાં મહેસાણાના કડીમાં આવેલા શિયાળપુરામાં વીજળી પડતાં એક યુવકનું મોત થયું છે, જ્યારે વાડામાં બાંધેલ 3 પશુના મોત થયા છે.
ADVERTISEMENT
અમરેલીમાં તાડપત્રી ઢાંકતા યુવક પર વીજળી પડી
અમરેલીમાં વહેલી સવારથી વરસાદ શરૂ થયો હતો, જેમાં કમોસમી વરસાદ દરમિયાન જાફરાબાદના રોહિસા ગામમાં વીજળી પડવાની ઘટના બની હતી. જેમાં 16 વર્ષના એક કિશોરનું મોત થઈ ગયું. વરસાદમાં કઠોળ પલળી ન જાય એટલા માટે કિશોર તેને તાડપત્રી ઢાંકી રહ્યો હતો, આ દરમિયાન જ વીજળી ભવ્ય વાઘેલા નામના કિશોર પર પડી હતી. યુવકને વીજળી પડ્યા બાદ જાફરાબાદ હોસ્પિટલમાં ખસેડાયો હતો, જ્યાં તેને મૃત જાહેર કરાયો હતો. તો ધારાસભ્ય હીરા સોલંકીના પુત્ર ભાવેશ સોલંકી સહિતના આગેવાનો પણ ત્યાં દોડી આવ્યા હતા.
બોટાદમાં બાઈક પર જતા યુવક પર વીજળી પડી
બોટાદના બરવાળા તાલુકાના નાવડા ગામ અને અમદાવાદ જિલ્લાના ધોલેરા તાલુકાના દેવપરા ગામ વચ્ચે હેબતપુર ગામથી બરવાળા તરફ બાઇક લઈ આવી રહેલા યુવાન પર વીજળી હતી. અમદાવાદ જિલ્લાના ધોલેરા તાલુકાના હેબતપુર ગામના 22 વર્ષીય રાકેશભાઈ ધરેજીયા નામના યુવાનનું ઘટનામાં મોત થયું છે. યુવકને 108 મારફતે બરવાળા આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડાયો હતો જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.
ખેતરમાં કામ કરતા મહિલાનું વીજળીથી મોત
સાબરકાંઠાના ઈડર તાલુકાના ગઢા કાબસો ગામે ઝરમર વરસાદ વચ્ચે મહિલા પર વીજળી પડતા તેનું મોત થયું હતું. 50 વર્ષીય કમળાબેન મગનભાઈ ખેતરમાં તમાકુનું વાવેતર કરતા હતા, દરમિયાન અચાનક તેમના પર વીજળી ત્રાટકી હતી. જે બાદ સ્થાનિકો દ્વારા મૃતદેહને દાવડ પીએસસી સેન્ટરે ખસેડાયો હતો. કમોસમી માવઠામાં વીજળીને પગલે મોત થતાં સ્થાનિકોમાં ભયનો માહોલ છે.
રાજકોટમાં ક્રિકેટ સ્ટેડિયમને મોટું નુકસાન
રાજકોટના ઈન્ટરનેશનલ સ્ટેડિયમને પણ માવઠાથી નુકસાન થયું છે. રાજકોટ-જામનગર રોડ પર સ્થિત ખંઢેરી ક્રિકેટ સ્ટેડિયમમાં કરા અને ભારે પવન સાથે આવેલા વરસાદથી સ્ટેડિયમના પેવેલિયનમાં એલિવેશન સહિત વ્યૂઈંગ ગેલેરીનો કાચ તૂટી ગયો હતો. સાથે પેવેલિયનમાં VIP રૂમના પતરા પણ ઉખડીને ઉડી ગયા હતા. વરસાદના કારણે સ્ટેડિયમમાં વિજય હજારે ટ્રોફીની મેચ રદ કરવી પડી હતી. વાવાઝોડાના કારણે સ્ટેડિયમને અંદાજે 1 કરોડથી વધુનું નુકસાન થયું છે.
અરવલ્લીમાં 16 બકરાના વીજળી પડતા મોત
અરવલ્લી જિલ્લામાં આજે ગાજવીજ સાથે વરસેલા ધોધમાર કમોસમી વરસાદે તારાજી સર્જી હોવાની ઘટના સામે આવી છે. મોડાસા તાલુકાના મઠ ગામની સીમના ખેતરમાં ચારો ચારતા 16 જેટલા બકરા ઉપર વીજળી પડતા દાઝી જવાથી બકરાઓના મોત નિપજતા પશુ પાલકો ઉપર જાણે આભ ફાટ્યું હોય એવો ઘાટ સર્જાયો હતો. તો મેઘરજ તાલુકાના જીતપુર પંથકના ખાખરીયા ગામની સીમના ખેતરમાં વીજળી પડતા ખેતરમાં રખાયેલ મકાઈનો સૂકો ચારો બળીને ખાખ થઈ ગયો હતો. અરવલ્લી જિલ્લા વહીવટી તંત્રના સંબધિત અધિકારીઓ નુકશાનોનું સર્વે કરી વળતર ચૂકવે તેવી ભોગ બનનાર પશુ પાલકો અને ખેડૂતોની માંગ ઉઠી હતી.
(ઈનપુટ: રઘુવીર મકવાણા-બોટાદ, હસમુખ પટેલ-સાબરકાંઠા, નિલેશ શિશાંગિયા-રાજકોટ, હિતેશ સુતરીયા-અરવલ્લી)
ADVERTISEMENT