Gandhinagar News: ગુજરાત વિધાનસભાના પ્રશ્નોત્તરી કાળમાં શિક્ષકોની ખાલી પડેલી જગ્યાઓ અને એક શિક્ષક દ્વારા ચલાવાતી શાળાઓ વિશે સવાલ પૂછવામાં આવ્યો હતો. કોંગ્રેસના ધારાસભ્યોએ પૂછેલા સવાલના જવાબમાં શિક્ષણમંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં 1606 પ્રાથમિક શાળાઓ માત્ર 1 શિક્ષકથી ચાલે છે, તો તાજેતરમાં લેવાયેલી ટેટની પરીક્ષા બાદ હજુ સુધી એકપણ ઉમેદવારનો નોકરી આપવામાં આવી નથી.
ADVERTISEMENT
ગુજરાતમાં 1 શિક્ષકથી ચાલકી શાળા કેટલી?
કોંગ્રેસના ધારાસભ્ય તુષાર ચૌધરીએ વિધાનસભામાં સવાલ પૂછ્યો હતો કે, ગુજરાતમાં એક શિક્ષકથી ચાલતી શાળાઓ કેટલી છે? પ્રશ્નના જવાબમાં શિક્ષણમંત્રી ડો. કુબેરભાઈ ડિંડોરે જણાવ્યું હતું કે, વિકસિત વાયબ્રન્ટ ગુજરાતમાં 1606 પ્રાથમિક શાળા છે, જેમાં માત્ર એક જ શિક્ષક છે. વિકસિત ગુજરાતમાં ધો.1થી ધો.8ના વિદ્યાર્થીઓને ભણાવવા માટે શાળામાં 1 શિક્ષક હોય તો તો બાળકોને મળતા શિક્ષણનું સ્તર કેવું હશે તેની કલ્પના કરી શકાય છે.
'પ્રાથમિક શાળામાં આચાર્ય બનવા કોઈ તૈયાર નથી'
રાજ્યમાં 33510 શાળાઓ છે, જેમાં 1606 શાળાઓ માત્ર એક શિક્ષકથી ચાલે છે. સરકાર દ્વારા વિધાનસભામાં કહેવાયું છે કે, શક્ય તેટલી ઝડપે સરકારી શાળામાં શિક્ષકોની ભરતી કરવામાં આવશે. ગત વિધાનસભામાં 754 શાળાઓ એક શિક્ષકથી ચાલતી હતી જેમાં વધારો થઈને 1606 શાળાઓ થઈ છે. કોંગ્રેસના ધારાસભ્યનો આરોપ છે કે, પ્રાથમિક શાળામાં આચાર્ય બનવા કોઈ તૈયાર નથી. પ્રાથમિક શાળામાં CRC અને BRC કોન્ટ્રાક્ટર બની ગયા છે. સરકારી શાળાના શિક્ષકો ભણવા વગરની પ્રવૃત્તિ કરી રહ્યા છે.
ટેટ પાસ કોઈ ઉમેદવારોને નોકરી અપાઈ નથી
તો ગુજરાત વિધાનસભામાં પ્રશ્નોતરી કાળ દરમિયાન ગીર સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાના પ્રશ્નોના જવાબમાં સરકારના શિક્ષણ પ્રધાને જણાવ્યું કે, રાજ્યમાં 13 હજાર શિક્ષકોની ઘટ છે અને ટેટની પરીક્ષા બાદ હજુ સુધી કોઈને નોકરી આપવામાં આવી નથી. કોંગ્રેસનો આરોપ છે કે, ગરીબ બાળકો શિક્ષણથી વંચિત રહી જાય અને ખાનગી શાળાઓને વધુ પ્રોત્સાહિત કરવા તરફ સરકાર ધ્યાન દઈ રહી છે.
ADVERTISEMENT