નિલમ ખારેચા/ અમદાવાદઃ અશોક ગહલોત. એક સમયે જે જાદૂગર હતા, તે હવે રાજનીતિના ‘જાદૂગર’ બની ગયા છે. અશોક ગહલોત રાજસ્થાનની રાજનીતિમાં એ ચહેરો છે જેનો જાદૂ મતદારોના માથે ચઢીને બોલે છે. એક એવા નેતા જે પોતાના સૌમ્ય વ્યવહારથી ન માત્ર મતદારોના દિલ જીતે છે પરંતું વિરોધીઓને પણ પોતાના કાયલ બનાવે છે. રાજસ્થાનના આ મુખ્યમંત્રી હાલ ગુજરાતના પ્રવાસે છે. કોંગ્રેસ હાઈકમાન્ડે તેમને ગુજરાતમાં વરિષ્ઠ નીરિક્ષક નિયુક્ત કર્યા છે ત્યારે તેઓ આ ગુજરાત પ્રવાસમાં કોંગ્રેસની ચૂંટણી રણનીતિને આખરી ઓપ આપવા માટે આવ્યા છે, પરંતું સવાલ અહીં એ છે કે રાજસ્થાનમાં હાલ જે પરિસ્થિતિ છે તેને ન સંભાળી શકતા અશોક ગહલોત ગુજરાતની કોંગ્રેસને કેવી રીતે સંભાળી શકશે?
ADVERTISEMENT
જાલોર કાંડને લઈને ગહલોત સરકાર બેકફૂટ પર
રાજસ્થાનના જાલોરના સુરાણા ગામમાં સરસ્વતી બાલ વિદ્યામંદિર આવેલ છે. ત્યાં અભ્યાસ કરનારા 9 વર્ષના બાળક ઈન્દ્ર મેઘવાલનું મૃત્યુ હાલ રાજસ્થાનની રાજનીતિનું કેન્દ્ર બની ગયું છે. આ 9 વર્ષના બાળકે જ્યારે સ્કૂલના માટલાને પાણી પીવા માટે સ્પર્શ કર્યો તો તેના સ્કૂલ ટીચરે તેની એટલી પીટાઈ કરી કે તેના કાનની નસ ફાટી ગઈ અને આ માસુમનું મોત થયું. આ મુદ્દે હાલ રાજસ્થાનનું રાજકારણ ગરમાયું છે. રાજસ્થાનમાં વિપક્ષની ભૂમિકામાં રહેલી બીજેપી તો આ મુદ્દે ગહલોત સરકાર પર ખૂબ નિશાન સાધી રહી છે પરંતું કોંગ્રેસના પોતાના નેતાઓ પણ સરકાર પર સવાલ ઉઠાવી રહ્યા છે. કોંગ્રેસના નેતા સચિન પાયલટે કહ્યું કે અહીં સરકાર અમારી છે તો જવાબદારીથી બચી ન શકાય અને વ્યવસ્થામાં જે ઉણપ છે તેને બદલવા માટે સરકારે કામ કરવું જોઈએ. આપને જણાવી દઈએ કે સચિન પાયલટે કોંગ્રેસથી બળવો પોકાર્યા બાદ તે કોઈપણ પદ પર નથી. પરંતું આજે જ્યારે રાજસ્થાનમાં ગહલોત સરકાર બેકફૂટ પર છે ત્યારે સચિન પાયલટ રાજસ્થાન સરકાર પર નિશાન સાધવાનું ચૂક્યા નથી.
ગુજરાતના પ્રવાસે છે અશોક ગહલોત
રાજસ્થાનની આ પરિસ્થિતિની વચ્ચે અશોક ગહલોત ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે છે. જો કે 16 ઓગસ્ટનો તેમનો સુરત અને રાજકોટનો પ્રવાસ રદ્દ થયો પરંતું 17 તારીખનો તેમનો વડોદરાનો પ્રવાસ યથાવત રહ્યો. આ દરમિયાન જ્યારે ગુજરાત કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માને જાલોર કાંડને લઈને સવાલ કરાયો તો તેમણે કહ્યું કે રાજસ્થાનમાં અમારી સરકાર છે એટલે ત્યાં સંવેદનશિલતાથી પૂરા મામલામાં કાર્યવાહી કરવામા આવી છે જ્યારે ગુજરાતમાં જુનાગઢના મેંદરડામાં દલિત યુવાનની હત્યાને 15 દિવસથી વધુનો સમય થયો છતાં પણ કાર્યવાહી નથી થઈ અને રાજસ્થાનની ઘટનાને લઈને બીજેપી રાજનૈતિક મુદ્દો બનાવી રહી છે. જો કે રાજનૈતિક ગલીઓમાં જે ચર્ચા છે તેના મુજબ અશોક ગહલોતનો 16 ઓગસ્ટનો પ્રવાસ એટલા માટે રદ્દ થયો હતો કારણકે ગહલોત રાજસ્થાનમાં આ પરિસ્થિતિને થાળે પાડવામા લાગ્યા હતા. હવે સવાલ એ છે કે રાજસ્થાનમાં જ્યાં ગહલોત સરકાર પર આટલા સવાલ ઉઠી રહ્યા છે ત્યારે ગુજરાતમાં સુસ્ત થયેલી કોંગ્રેસને અશોક ગહલોત કેવી રીતે સંભાળી શકશે?
2017માં કોંગ્રેસના ચૂંટણી પ્રભારી હતા ગહલોત
ગત વિધાનસભાની ચૂંટણીમાં અશોક ગહલોતને કોંગ્રેસના ચૂંટણી પ્રભારી નિયુક્ત કરાયા હતા. જો કે તે સમયે રાજસ્થાનમાં વસુંધરા રાજેનું (ભાજપનું) શાસન હતું અને જો અશોક ગહલોત ગુજરાતમાં સારું પ્રદર્શન કરે તો તેનું સીધું પરિણામ 2018માં થનારી રાજસ્થાનની ચૂંટણીમાં જોવા મળે તેમ હતું. અને થયું પણ એવું જ. 2017ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં અશોક ગહલોતની આગેવાનીમાં કોંગ્રેસે છેલ્લા 20 વર્ષનું સૌથી સારું પ્રદર્શન કર્યું અને ભાજપના રથને 99એ રોકી દીધો. પરિણામ સ્વરુપે 2018માં રાજસ્થાનમાં કોંગ્રેસને જીત મળ્યા બાદ કોંગ્રેસ હાઈકમાન્ડે અશોક ગહલોતને મુખ્યમંત્રી બનાવ્યા. હવે ફરી ગુજરાતમાં ચૂંટણી છે અને કોંગ્રેસ હાઈકમાન્ડે અશોક ગહલોતને કોંગ્રેસના વરિષ્ઠ નીરિક્ષક નિયુક્ત કર્યા છે અને આવતા વર્ષે 2023માં રાજસ્થાનમાં ચૂંટણી પણ છે આ બધાની વચ્ચે પોતાના રાજ્યમાં ઘેરાયેલા ગહલોત ગુજરાત કોંગ્રેસમાં પ્રાણ ફૂંકી શકશે કે કેમ તે જોવું દિલચસ્પ બનશે.
ADVERTISEMENT