વિરેન જોશી/મહીસાગર : સરકારી પ્રાથમિક શાળામાં બળાત્કારી આશારામના બેનર લગાવીને તેની આરતી ઉતારવામાં આવી હતી. મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાની જામાં પગીના મુવાળા પ્રાથમિક શાળામાં યોજાયેલ માતૃ પિતૃ પૂજન કાર્યક્રમ દરમ્યાન બળાત્કારની સજા ભોગવતા બળાત્કારી આશારામની આરતી ઉતારવામાં આવી હતી. લુણાવાડા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ બિપિન પટેલ પણ હાજર હતા. કાર્યક્રમમાં હાજર તમામ લોકોએ આશારામી આરતી ઉતારી હતી.
ADVERTISEMENT
શિક્ષણાધિકારીએ પરિપત્ર કર્યો અને આ શાળાએ તેનો ઉંધો જ અમલ શરૂ કર્યો
મહીસાગર જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડૉ. અવનીબા મોરીના પ્રેરક અભિગમ દ્વારા શાળાઓમાં 14 ફેબ્રુઆરી વેલેન્ટાઈન ડે ના દિવસથી 17 ફેબ્રુઆરી દરમ્યાન માતા પિતા દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત આજે લુણાવાડા તાલુકાની જામાં પગીના મુવાળા પ્રાથમિક શાળામાં માતૃ પિતૃ પૂજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળાના વિદ્યાર્થીઓ અને તેમના માતા પિતા ઉપસ્થિત રહ્યા હતા.
આસારામનો ફોટો મુકીને આરતી પુજા કરવામાં આવી
જ્યાં શાળાના કાર્યક્રમમાં બળાત્કારની સજા ભોગવતા બળાત્કારી આશારામના ફોટાવાળું બેનર લગાવાયું હતું. બેનરમાં ઉલ્લેખ હતો કે “પૂજ્ય સંતશ્રી આશારામ બાપુ પ્રેરિત માતૃ પિતૃ પૂજન દિવસ આવો ઉજવીએ સાચો પ્રેમ દિવસ” આ પ્રકારના બેનરની સાથે સાથે બાળકોની ઉપસ્થિતમાં જ આશારામની તસ્વીર મુકવામાં આવી હતી. બાળકો, તેમના માતા પિતા અને મહેમાનોની હાજરીમાં આશારામની તસવીરની આરતી ઉતારવામાં આવી હતી. હાલ તો આ સમગ્ર ઘટના ભારે વિવાદિત બની છે અને ફોટા વાયરલ થઇ રહ્યા છે.
સંસ્કૃતિની જાળવણી માટે કરાયેલા કાર્યક્રમનો શિક્ષકે ફિયાસ્કો કર્યો
ઉલ્લેખનીય છે કે, ભારતીય સંસ્કૃતિની સભ્યતાનો બાળકો અને યુવાનો આદર કરે અને ચારિત્ર્ય નિર્માણ દ્વારા રાષ્ટ્ર નિર્માણના ઘડવૈયા બને તે માટે મહીસાગર જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી દ્વારા જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં માતાપિતા પૂજન દિવસની ઉજવણી કરવાનું આયોજન થાય છે. સરકારી શાળામાં જ બાળકોની હાજરીમાં જ બળાત્કારી આશારામની આરતી ઉતારવામાં આવે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આશારામને ન્યાયાલય દ્વારા બળાત્કારના દોષી ઘોષિત કરી સજા પણ ફટકારી છે. બળાત્કારના ગુન્હાની સજા જેલમાં ભોગવી રહ્યો છે. આવા ગુનેગાર આશારામના ફોટાની આરતી ઉતારી શાળાના શિક્ષક બાળકો તેમજ તેમના માતા પિતા સમક્ષ શું સાબિત કરવા માંગે છે તે સવાલ છે.
ADVERTISEMENT