જૂનાગઢ: આ વખતની વિધાનસભાની ચૂંટણી ગુજરાતમાં ઐતિહાસિક બની રહી છે. આ વખતે નવા પક્ષ આમ આદમી પાર્ટીએ ગુજરાતના ચૂંટણી રણમેદાનમાં ઝંપલાવ્યું હતું. ભલે વિધાનસભામાં માત્ર પાંચ જ સીટ આમ આદમી પાર્ટીએ મેળવી હોય પણ ભાજપ અને કોંગ્રેસ માટે માથાનો દુઃખાવો જરુરથી બનીને રહી હતી. એ જ આમ આદમી પાર્ટીમાં એકબાદ એક હવે વિરોધના સૂર ઉઠી રહ્યાં છે. નેતાઓ અને હોદ્દેદારો નારાજ થયા છે. જે આમ આદમી પાર્ટીએ સુરતમાં કોર્પોરેશનની ચૂંટણીમાં જંગી બહુમતી સાથે ગુજરાતના રાજકારણમાં ધૂંઆધાર પ્રવેશ કર્યો હતો. એ જ સુરત શહેરમાં આપના કોર્પેરેટરો ભાજપમાં જોડાયા છે. હવે જૂનાગઢ આમ આદમી પાર્ટીમાં ભંગાણ થઈ શકે છે તેવા સમાચાર સામે આવ્યા છે.
ADVERTISEMENT
જૂનાગઢ 86 વિધાનસભા બેઠક પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર રહી ચુકેલા ચેતન ગજેરા ચૂંટણી પછી પાર્ટીમાં ચાલી રહેલા કોલ્ડવોરને લઈને હવે નારાજગી વ્યક્ત કરી છે. સોશિયલ મીડિયા પર ચેતન ગજેરાનો એક મેસેજ સામે આવ્યો છે. જેમાં તેઓ ખુબ સૂચક સંદેશ લખે છે. જેમાં લખ્યું છે કે,” સામાજિક જીવનમાં મજબૂત વ્યક્તિઓની સહન કરવાની શક્તિ ખુબ વધારે હોય છે પણ એ સહન શક્તિની હદ તુટે ત્યારે કોઈપણ રાજકીય હોય કે સામાજિક સંગઠન હોય એમને ખુબ મોટુ નુકસાન ભોગવવુ પડતુ હોય છે.” આ મેસેજ જ કહી જાય છે કે ચૂંટણીમાં અને ત્યારપછી ચેતનભાઈને ખુબ વધારે સહન કરવુ પડ્યું હશે.
વાત જાણે એમ છે કે,2022ની વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચેતન ગજેરા 28 હજાર વોટ સાથે સૌથી યુવા નેતા બન્યા હતા. ત્યારપછી જૂનાગઢ આમ આદમી પાર્ટી સંગઠનમાં બે જૂથ પડી ગયા હતા. એક ચેતન ગજેરાનું જૂથ અને બીજુ અન્ય જૂથ. અન્ય જૂથ ખુબ સક્રિય થયું જેના કારણે આમ આદમી પાર્ટીના આ યુવા નેતા સાઈડલાઈન થઈ ગયા. ચૂંટણી પછી બાદ આપના અધિકારીઓની નિમણૂંકોને લઈને આમ આદમી પાર્ટીના પદાધિકારીઓની નિમણૂકોને લઈને નારાજગી ચાલી રહી હતી. જેના કારણે જ બે જૂથ પડ્યા હતા. ત્યાર પછીની જો વાત કરીએ તો છેલ્લા બે મહિનામાં 200 કાર્યકર્તાઓ AAP છોડીને કોંગ્રેસમાં જોડાયા હતા. જેમના રાજીનામાનો લેટર પણ સામે આવ્યો છે. જેમાં AAPના પ્રદેશ પ્રમુખને ઉદ્દેશીને લખ્યું છે કે, જૂનાગઢ મહાનગરપાલિકાના નવા પ્રમુખ તુષારભાઈ સોજીત્રાએ પાર્ટી વિરુદ્ધ કાર્ય કરેલુ હોવા છતાં તેમને જૂનાગઢ મહાનગરપાલિકાના પ્રમુખ બનાવાયા હતા. જેના કારણે બધા કાર્યકર્તાઓએ અને હોદ્દેદારો જિલ્લાના અને વિધાનસભાના નેતાઓને અનેકવાર રજૂઆતો કરી હતી. તેમ છતા વાતને ધ્યાનમાં ન લેવાતા અમે બધા સામુહિક રાજીનામુ આપીએ છીએ.
આપ માટે સળગતા સવાલો
ઉલ્લેખનીય છે કે, ચેતન ગજેરે AAPમાંથી ઉમેદવાર બન્યા બાદ વિધાનસભાની ચૂંટણીમાં જૂનાગઢમાં અન્ય પાર્ટીઓને જોરદાર ટક્કર આપી હતી. પરંતુ ત્યાર પછી તેઓ અચાનક નિષ્ક્રિય થઈ ગયા હતા. હવે સવાલો એ છે કે,
નારાજગી શું છે, જૂનાગઢમાં કાર્યકર્તાઓ અને હોદ્દેદારો કેમ તૂટી રહ્યાં છે., સત્તાની લાલસા કે સત્તાનો નશો છે કે અન્ય કોઈ કારણ!!!.. કારણ કે જો આવી જ રીતે આમ આદમી પાર્ટીમાં ફુટ પડતી રહી તો આમ આદમી પાર્ટી માટે લોકસભાની ચૂંટણી મુશ્કેલ બની જશે. હાલ તો ચેતન ગજેરાના ટ્વિટ અને સોશિયલ મીડિયા પર વાયરલ મેસેજથી AAPમાં ખળભળાટ મચી ગયો છે.
(વિથ ઈનપુટ: ભાર્ગવી જોશી, જૂનાગઢ)
ADVERTISEMENT