અમદાવાદ: દેશભરમાં વરસાદ પોતાનું રોદ્ર સ્વરૂપ બતાવી રહ્યું છે. આ દરમિયાન ઠેર ઠેર પુરની સ્થિતિ છે. ત્યારે ચોમાસાની સિઝનમાં અનેક યુવાનો ફરવા નીકળી જાય છે. આમ જ ગુજરાતના 14 જેટલા યુવાનો બાઇક લઈ અને મનાલી રોડ ટ્રીપ માટે નીકળ્યા હતા. ત્યારે છેલ્લા 3 દિવસથી આ યુવાનો સંપર્ક વિહોણા બનતા તેમના પરિવારો ચિંતામાં મુકાયા છે. આ દરમિયાન યુવાનો માટે ગુજરાત કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઇ મેઇલ મારફતે મદદની માંગણી કરી છે. જોકે હજુ સુધી કોઈ જવાબ મળ્યો નથી.
ADVERTISEMENT
ગુજરાતનાં 14 જેટલા ગુજરાતી યુવાનો મોટરસાયકલ લઈને મનાલીથી ત્રિલોકનાથ સુધી ટ્રેક માટે સ્પિતિ-2023ની એક ટ્રીપ બનાવીને ટેલરમેઈડ ટ્રીપ પર પ્રવાસે નીકળ્યા હતા. યુવાનો છેલ્લા 3 દિવસથી સંપર્કવિહોણા બન્યા છે. ત્યારે પરિવારના સભ્યો તરફથી રાજ્યસભા સાંસદ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલને રજુઆત મળી હતી. આ યુવાનો 8 તારીખ બાદ સંપર્ક વિહોણા બન્યા છે . જેને લઈ શક્તિસિંહ ગોહિલે વડાપ્રધાનને વિનંતી કરતો ઇમેઇલ કરી ત્યાં કાર્યરત NDRFની ટીમ સાથે આ વિગત આપી સંપર્ક વિહોણા યુવાનોની માહિતી મેળવી જરૂરી કાર્યવાહી કરવામાં આવે તેવી વિનંતી કરી હતી. પરંતુ આટલી ગંભીર બાબત હોવા છતાં હજુ સુધી કોઈ પ્રતિભાવ કે કોઈપણ પ્રકારનો જવાબ ભારત સરકાર પાસેથી આવ્યો નથી તે મોટી ચિંતાનો વિષય છે.
આ યુવાનો થયા સંપર્ક વિહોણા
ગુજરાતના આ જે યુવાનો નીકળ્યા છે તેમાં પાર્થ ઝવેરભાઈ પટેલ, ઝવેરભાઈ બાબુભાઈ પટેલ, વિવેક નરેશભાઈ પટેલ, સાગર જયેન્દ્રભાઈ તુરખીયા, ગૌરાંગ ભાઈલાલભાઈ કાકડીયા, યશ નિતીનભાઈ વરીયા, મોહિત દાઢણીયા, સિદ્ધાર્થ નરેશભાઈ પટેલ, નિસર્ગ રમેશચંદ્ર પટેલ, બ્રિજેશભાઈ બાબુભાઈ પટેલ, તુષારકુમાર સુદાણી, મનુભાઈ ધાનાણી, અશ્વિન આંદ્રપીયા, પિયુષકુમાર હસમુખભાઈ નાકરાણી છે. જે ત્યાંથી મોટરસાયકલ ભાડે લઈને મોટરસાયકલ પર જવાના હતા. તેમાંથી યશ નિતીનભાઈ વરીયા પાસે જે મોટરસાયકલ છે તેનો નંબર HP-66-9518 છે. આ મિત્રો મનાલી સુધી સલામત રીતે પહોંચ્યા પછી મનાલીથી કાઝા અને કાઝાથી ચંદ્રતાલ 8 તારીખે પહોંચ્યા હતા. 9 તારીખે ચંદ્રતાલથી ત્રિલોકનાથ જવા માટે નીકળ્યા છે. જેમનો હજુ સુધી કોઈ સંપર્ક થઈ શક્યો નથી.
શક્તિસિંહ ગોહિલે વડાપ્રધાનને કરી આ વિનંતી
યુવાનો સાથે સંપર્ક ન થતાં શક્તિસિંહ ગોહિલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને વિનંતી કરતાં કહ્યું કે, યુવાનોના પરિવારો અત્યંત ચિંતામાં છે. ત્યારે હવે તપાસ કરવામાં કોઈ વિલંબ ન થવો જોઈએ અને ત્યાંની NDRFની ટીમ, સ્થાનિક પ્રશાસન તાત્કાલિક આ બધા મિત્રોની શોધ શરૂ કરે અને ઈશ્વરને પ્રાર્થના કરીએ કે બધા સહીસલામત હોય.કોંગ્રેસના આગેવાનો અને ઈન્ચાર્જને પણ કહ્યું છે કે સ્થાનિક આગેવાનો પણ આ નંબરો અને વિગતો આપી છે તેમની ત્યાં તપાસ કરે અને ભાળ મળ્યે એમને કોઈ તકલીફ હોય તો તેમને મદદરૂપ બને.
ADVERTISEMENT