Gir Somnath: દરિયામાં માછલી પકડવા જતા સમયે ઘણીવાર માછીમારો ભૂલથી દરિયાઈ સરહદ ઓળંગીને પાકિસ્તાનની જળ સીમામાં પ્રવેશ કરી જતા હોય છે. પાકિસ્તાન આવા માછીમારોને પકડીને જેલ હવાલે કરી દે છે. ત્યારે કેન્દ્ર સરકારના પ્રયાત્નોથી ભારે વાટાઘાટો બાદ પાકિસ્તાનની જેલમાં બંધ ગુજરાતના 80 જેટલા માછીમારોને દિવાળીના પર્વ પહેલા જ મુક્ત કરવામાં આવ્યા હતા. જેઓ દિવાળીએ ગુજરાત પહોંચતા તેમના પરિવારજનો સાથે તેમના વર્ષો બાદના મિલનથી ભાવુક દ્રશ્યો સર્જાયા હતા.
ADVERTISEMENT
3 વર્ષથી પાકિસ્તાનની જેલમાં હતા માછીમારો
દેશભરમાં દિવાળીના તહેવારની ઉજવણી વચ્ચે પાકિસ્તાનની જેલમાં બંધ 80 માછીમારોને 3 વર્ષ બાદ પાકિસ્તાનની જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા. વાઘા બોર્ડરે રાજ્યના મત્સ્ય વિભાગના અધિકારીઓએ તેમનો કબજો મેળવ્યો હતો અને આ માળીમારોને ટ્રેન દ્વારા વડોદરા લાવવામાં આવ્યા હતા અને અહીંથી તેમને બસ દ્વારા વેરાવળ લઈ જવામાં આવ્યા હતા. દેશભરમાં દિવાળીના તહેવારની ઉજવણી વચ્ચે માછીમારો ઘરે પરત ફરતા સ્વજનો તેમને ભેટી પડ્યા હતા અને તેમની આંખમાં હરખના આંસુ આવી ગયા હતા.
હજુ 200 માછીમારો પાકિસ્તાનની જેલમાં
બસમાંથી નીચે ઉતરતા જ માછીમારોના સ્વજનોએ ‘ભારત માતા કી જય’ ના નારા સાથે તેમનું જોરદાર સ્વાગત કર્યું હતું. તો બીજી તરફ હજુ પણ 200 જેટલા માછીમારો પાકિસ્તાનની જેલમાં સજા કાપી રહ્યા છે.
મુક્ત કરાયેલા આ માછીમારોમાં 15 માછીમારો દેવભૂમિ દ્વારકાના, 59 ગીર સોમનાથના, 2 જામનગરના તથા 1 અમરેલીના એમ કુલ મળીને 77 માછીમારો અને દિવના 3 માછીમારો મળીને 80 માછીમારોને પાકિસ્તાનની જેલમાંથી મુક્ત કરાવવામાં સફળતા મળી હતી.
ADVERTISEMENT