અમદાવાદ: ગુજરાતના કચ્છમાં ત્રાટકેલા બિપોરજોય વાવાઝોડાના પગલે રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે. વાવાઝોડાના પગલે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 171 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. તેમાં કચ્ચના ગાંધીધામમાં સૌથી વધુ 8 ઈંચ તો ભુજમા 6 ઈંચ વરસાદ પડ્યો છે. આ ઉપરાંત રાજ્યમાં આજે પણ કચ્છ, સૌરાષ્ટ્ર તથા ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ત્યારે આવો જાણીએ અત્યાર સુધીમાં ગુજરાતમાં ક્યાં કેટલો વરસાદ પડ્યો છે.
ADVERTISEMENT
ક્યાં કેટલો વરસાદ પડ્યો?
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં ગાંધીધામમાં સૌથી વધુ 8 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. મુંદ્રામાં 4 ઈંચ, ખંભાળિયા અને અંજારમાં સવા 3 ઈંચ, જામજોધપુર અને વાવમાં પોણા 3 ઈંચ, ભચાઉમાં 2.5 ઈંચ, માંડવી અને કલ્યાણપુરમાં સવા 2 ઈંચ, દ્વારાકામાં સવા 2 ઈંચ, ભાવનગરમાં 2 ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. રાજ્યના 34 તાલુકાઓમાં એક ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.
940 ગામોમાં વીજપોલ ધરાશાયી
બિપોરજોય વાવાઝોડું કચ્છમાં ત્રાટક્યું ત્યારે પવનની ગતિ 120થી 130 કિમી પ્રતિ કલાકની હતી. ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. જેમાં કચ્છમાં અનેક વૃક્ષો અને વીજપોલ ધરાશાયી થઈ ગયા છે. ઓખા-માંડવીમાં છેલ્લા 18 કલાકથી વીજપુરવઠો ઠપ છે. વાવાઝોડાને પગલે 940 જેટલા ગામોમાં વીજપોલ ધરાશાયી થયા છે. તો 524થી વધુ વૃક્ષો ધરાશાયી થઈ ગયા છે.
આજે ક્યાં ભારે વરસાદની આગાહી?
હવામાન વિભાગ મુજબ, ગુજરાતમાં હજુ પણ 19મી જૂન સુધી વરસાદી માહોલ રહેશે. જેમાં આજે 16મી જૂને કચ્છ-સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓ તથા મધ્ય, ઉત્તર અને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં ઘણા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. જ્યારે આવતીકાલે 17મી જૂને ગુજરાતના તમામ જિલ્લાઓમાં વરસાદની આગાહી છે. 18મી જૂને બનાસકાંઠા, સાબરકાંઠા, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, નવસારી અને વલાસડમાં વરસાદ પડી શકે છે. તો 19મી જૂને નવસારી અને વલસાડીમાં વરસાદની આગાહી આપવામાં આવી છે.
મોટા ભાગના જિલ્લાઓમાં આજે શાળા-કોલેજો બંધ
બિપોરજોય વાવાઝોડાને પગલે ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓમાં શાળા કોલેજોમાં રજા જાહેર કરી દેવામાં આવી છે. મોટા ભાગના વિસ્તારોમાં શાળા-કોલેજો બંધ રાખવા માટે કલેક્ટરો દ્વારા આદેશ કરી દેવાયા છે. બિપોરજોયના કારણે રાજ્યનું મોટા ભાગનું તંત્ર લગભગ ખોરવાઇ ચુક્યું છે.
સૌરાષ્ટ્રમાં બસ, રેલ અને વિમાન સેવા બંધ
સૌરાષ્ટ્રના મોટા ભાગના જિલ્લાઓમાં જતી એસટી બસ, રેલવે સેવા અને એરપોર્ટને બંધ કરી દેવામાં આવ્યા છે. આગામી આદેશ સુધી જળ,સ્થળ અને હવા તમામ માધ્યમો બંધ રહેશે. અનેક ડેપો દ્વારા પોતાની બસના રૂટ રદ્દ કરાયા છે અથવા તો ટુંકાવી દેવામાં આવ્યા છે. રેલવેને પણ શોર્ટ ટર્મિનલ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રનાં તમામ એરપોર્ટ પણ બંધ કરી દેવામાં આવ્યા છે.
ADVERTISEMENT