Banaskantha Gold Loot: ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના ચડોતર ગામના ઓવરબ્રિજ પર અમદાવાદના પ્રખ્યાત રિષભ જ્વેલર્સના કર્મચારીઓની લૂંટ થઈ છે. પીડિતો પાસે સોનાના દાગીના હતા. જેમાંથી અજાણ્યા લૂંટારુઓ પોલીસને ચકમો આપીને આશરે 10 કિલો સોનાના દાગીનાની લૂંટ કરીને નાસી છૂટવામાં સફળ થયા હતા જેની કિંમત રૂ.6 કરોડથી પણ વધુ થાય છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, પાટણ પોલીસે ગણતરીના કલાકોમાં જ આ લૂંટના આરોપીઓને ઝડપી પાડ્યા છે.
ADVERTISEMENT
કર્મચારીઓની ગાડીને રોકીને લૂંટ
બનાસકાંઠાના પાલનપુર ગ્રામ્ય પોલીસ ગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલી આ ઘટનામાં પોલીસે ભોગ બનનારને લઈને પ્રાથમિક તપાસ હાથ ધરી હતી. જેમાં જાણવા મળ્યું હતું કે, અમદાવાદ રિષભ જ્વેલર્સમાંથી સોનાના દાગીના લઈને ત્રણ કર્મચારીઓ પહેલા ડીસા પહોંચ્યા હતા. અહીંથી તેમનું કામ પતાવીને ત્રણેય સ્વિફ્ટ કારમાં અમદાવાદ પરત ફરી રહ્યા હતા. ત્યારે ચડોતર ગામના ઓવરબ્રિજ પાસે એક ગ્રે કલરની ઈનોવા કારના ચાલકે તેમને રોક્યા હતા અને તેઓ કંઈ સમજે તે પહેલા ત્રણ બુકાનીધારી લૂંટારુઓ કારમાં સવાર થઈ ગયા હતા. કાર અને તેઓને ડરાવી-ધમકાવીને તેમની પાસેથી આશરે 10 કિલો સોનાના દાગીનાની લૂંટ ચલાવી હતી અને ચડોતરથી ગઢ તરફ જતા રોડ પરથી નાસી છૂટ્યા હતા.
8-10 કિલો સોનું લૂંટી ફરાર લૂંટારૂ
એક અંદાજ મુજબ લૂંટારુઓ આઠથી દસ કિલો સોનું અને સોના-ચાંદીના દાગીના લઈને ફરાર થઈ ગયા હતા. જો કે ઘટનાની માહિતી મળતા બનાસકાંઠા એસપી સહિત પોલીસની જુદી જુદી પાંચ તપાસ ટીમો ઘટના સ્થળે પહોંચી હતી. જ્યારે સ્થાનિક ક્રાઈમ બ્યુરોની ટીમ લૂંટારાઓને શોધવામાં લાગી ગઈ હતી. ત્યારે પાટણ પોલીસે 5 લૂંટારૂઓને ઝડપી પાડ્યા હોવાની વિગતો મળી રહી છે.
(ધનેશ પરમાર)
ADVERTISEMENT