બનાસકાંઠામાં 4 લાખ ગૌવંશ પર લમ્પીના સંક્રમણનો ખતરો, જાણો કોણે કર્યો હૈયું હચમચાવનારો ખુલાસો?

ધનેશ પરમાર/બનાસકાંઠા: રાજ્યભરમાં લમ્પી વાઇરસ કહેર બનીને મુંગા પશુઓમાં ફેલાઈ રહ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં પણ લમ્પી વાઇરસ ભયજનક રીતે પ્રસરી રહ્યો છે. ત્યારે વહીવટી તંત્ર…

gujarattak
follow google news

ધનેશ પરમાર/બનાસકાંઠા: રાજ્યભરમાં લમ્પી વાઇરસ કહેર બનીને મુંગા પશુઓમાં ફેલાઈ રહ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં પણ લમ્પી વાઇરસ ભયજનક રીતે પ્રસરી રહ્યો છે. ત્યારે વહીવટી તંત્ર પણ સરકારની જાહેર થયેલી મદદ તથા, વેટરનરીની વિવિધ ટીમો, બનાસડેરીની વેટરનરી ટીમો પણ લમ્પી રસીકરણ અભિયાન ચલાવી લમ્પીને નાથવા મથામણ કરી રહી છે. એવામાં હવે સેવાભાવી સંસ્થાઓ સાથે જીવદયા પ્રેમને વરેલ દાતાઓ પણ ગૌસેવા અને ગૌ બચાવ માટે આગળ આવી રહ્યા છે. જન્માષ્ટમીના દિવસે બનાસકાંઠા જિલ્લાના ટેટોડા ખાતે રાજારામ ગૌશાળામાં જિલ્લા આઇસોલેશન વોર્ડ અને શેડની શરૂઆત કરવામાં આવી. ત્યારે બીજી તરફ ગૌરક્ષક જાનકીદાસ બાપુએ જિલ્લામાં 4 લાખ હરાયા ઢોરમાં લમ્પી ફેલાવવાની ચિંતા વ્યક્ત કરી છે.

સંતની અપીલ અને કરોડોના દાનનો સંકલ્પ, શ્રેષ્ઠ ગૌભક્તિ: કલેકટર આનંદ પટેલ
ટેટોડા ખાતે જિલ્લા આઇસોલેશન વોર્ડ અને શેડનો શુભારંભ પ્રંસગે પરમ પૂજ્ય રામરતનજી મહારાજે ગૌ સેવા માટે દાનની અપીલ કરતા ડીસાના ગૌ ભક્ત દાતાશ્રી પી.એન. માળી અને જીવદયા પ્રેમીઓ દ્વારા દર વર્ષે રૂપિયા ૩ કરોડની માતબર રકમનો ફાળો નિયમિતરૂપે ગૌ શાળાને મોકલી આપવાનો સેવાકીય નિર્ણય કરવામાં આવ્યો છે. જીવદયા પ્રેમીઓના આ મહત્વના નિર્ણય અને સંકલ્પને વધાવી જિલ્લા કલેકટર આનંદ પટેલે જણાવ્યું હતું કે, “આ સંકલ્પ મૂંગા ઢોર પ્રત્યેની માનવીય સંવેદનાથી લમ્પી વાયરસ પર નિયંત્રણ મેળવી શકવાનો આશાવાદ બળવત્તર બન્યો છે.”

બનાસકાંઠામાં લમ્પીની ચપેટમાં 17 હજારથી વધુ પશુઓ
જિલ્લામાં અત્યાર સુધી 14 તાલુકાઓમાં 17,588 પશુઓ લમ્પી ચપેટમાં આવ્યા છે. આજે નવા 911 પશુઓમાં વાઇરસ સંક્ર્મણ દેખાયું છે. એક અંદાજ મુજબ જિલ્લાના નાના મોટા 600 ગામડાઓમાં આ રોગનો દેખાડો છે. સરકારી આંકડાઓમાં 356 પશુઓના મોત લમ્પીથી થયા છે.

શું હરાયા ઢોરોનું રસીકરણ થાય છે?
જોકે દરેક ગામ અને શહેરોમાં હરાયા ઢોરોની સંખ્યા વધુ છે જે લમ્પી વાયરસની અસરમાં મોટા પ્રમાણમાં માર્યા ગયા છે. દરેક ગામમાં આવા પશુઓના મોતનું ન્યાયિક આંકલન કરાય તો આ આંક ભયજનક છે. કેમકે હરાયા ઢોરોનું રસીકરણ નહિવત થાય છે. તેઓને પકડવા અથવા રસીકરણ કેન્દ્ર અથવા કેમ્પ રાખી રસીકરણ કરવું લગભગ પથ્થરના ચણા ચાવવા જેવું મુશ્કેલ છે.

ઢીમાં ગૌશાળાના સંત જાનકીદાસ બાપુનો ચોંકાવનારો ખુલાસો
જિલ્લામાં ચિંતાજનક વહીવટી તંત્રના રાહત મદદના પ્રયાસ અને દાવાઓ પર જિલ્લામાં જીવદયાપ્રેમી તરીકે નામાંકિત બનેલ પ્રસિદ્ધ યાત્રાધામ ઢીમાં ગૌશાળાના સંચાલક જાનકીદાસ બાપુએ સાવલિયા નિશાન લગાવ્યા છે. તેઓએ ચોંકાવનારો ખુલાસો કરતા કહ્યું હતું કે “જિલ્લાના 14 તાલુકાઓના તમામ નાના મોટા ગામડાઓમાં ગૌમાતાઓ “રખડતા પશુઓ” ઉપનામ તળે આશ્રય લે છે. આ ગૌમાતા પોતાના પેટનો ખાડો જ્યાં ત્યાં ભ્રમણ કરી ભરે છે. આવી ગૌમાતાઓ દરેક નાના ગામોમાં 100થી વધુ અને મોટા ગામોમાં 200 કે 300 હોય છે. જેઓનું આશ્રય સ્થાન રોડ, રસ્તા, અવાવરું જગ્યા, ગૌચર છે. શહેરોમાં આ આંકડો મોટો છે. સંતે સ્પષ્ટ કર્યું હતું કે આ આંકડો બનાસકાંઠા જિલ્લામાં અંદાજિત 4 લાખથી વધુ છે. આ ગૌમાતાઓ સાથે નંદીઓ પણ મોટી સંખ્યામાં વસે છે. સરકારનું રસીકરણ અભિયાન અહીં સુધી પહોંચ્યું નથી. આ ગૌવંશને પણ રાહત મદદ અને સારવાર મળવી જોઈએ. આ પશુઓનું પણ લમ્પી સામે રક્ષણ થવું જોઈએ.

લમ્પીથી મોતના સરકારી આંકડાઓ ભ્રામક: સંત જાનકીદાસ
સંત જાનકીદાસે સરકારના લમ્પી રોગથી મરણ જનાર પશુઓના આંકડાઓ ભ્રામક ગણાવ્યા હતા. તેઓએ સ્પષ્ટ કહ્યું હતું કે, આજે 20 ઓગસ્ટના અમે માત્ર અમારા ગામ ઢીમાંમાં લમ્પીથી મોતને ભેટેલા 25 ગૌમાતાઓને સમાધિ આપી છે. તેઓએ એમ પણ જણાવ્યું હતું કે, સરકાર તેવા જ પશુઓના મરણ આંકડાઓ જાહેર કરે છે જેમનું પીએમ તેમની વેટરનરી તબીબી ટીમે કર્યું હોય, જોકે આવા પીએમ માત્ર 10% જ થાય છે. કેમકે સરકારી વેટરનરી તબીબો દરેક ગામમાં પહોંચી શકતા નથી, અને બીજી તરફ લમ્પીથી મૃત્યુ પામેલ ગૌમાતાની બોડી ડીકમ્પોઝ થતી હોઈ, પશુપાલકો પોતાના ગામમાં રોગચાળોના ફેલાય તેની તકેદારી રાખી, પીએમ કરાવ્યા વિના જ મરણ પામેલ ગૌમાતાને તેમના ખેતર કે ગામમાં જ સમાધિ આપે છે. જેથી લમ્પીથી પશુ મોતનો સાચો આંકડો બહાર આવતો નથી.

ગ્રામ પંચાયત કે નગરપાલિકાઓ હરાયા ઢોરોનું રસીકરણ કરી શકે?
જિલ્લામાં 170થી વધુ ગૌશાળાઓ છે. જેમાં અંદાજિત 80,000 પશુઓ આશ્રય લે છે. આ સંચાલકો માંડ માંડ આશ્રય લેતાં પશુઓનું પાલનપોષણ કરે છે. સરકારે માર્ચ 2022માં બજેટમાં જાહેર કરેલી રકમ હજુ પાંજરાપોળોને ચૂકવી નથી. જેથી આ ખર્ચ કોણ ઉઠાવે? તે સવાલ બન્યો છે. તો વળી બીજી તરફ સરકાર પાસે કે નગરપાલિકાઓ પાસે આવા પશુઓને પકડી, રસીકરણ માટે એક જ જગ્યાએ રાખવાની કોઈ વ્યવસ્થા નથી, ત્યારે રસીકરણના અભાવે આવા 4 લાખ પશુઓ વકરતા લમ્પી સામે કેવી રીતે ટકશે? તે વિચાર પણ હૈયું હચમચાવનારો બન્યો છે.

    follow whatsapp