– ભાજપમાં જોડાવાને લઈને અર્જુન મોઢવાડિયાનો ખુલાસો
– આ સમાચારનો કોઈ આધાર જ નથીઃ મોઢવાડિયા
– ગોપાલ ઈટાલિયાએ અર્જુન મોઢવાડિયાને આપ્યું આમંત્રણ
ADVERTISEMENT
Loksabha Election 2024: દેશમાં લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે. જેથી તમામ રાજકીય પક્ષો સુપર એક્ટિવ મોડમાં જોવા મળી રહ્યા છે. પક્ષપલટા અને રાજીનામાનો દોર પણ શરૂ થઈ ચૂક્યો છે. તાજેતરમાં જ AAPના વિસાવદરના ધારાસભ્ય ભૂપત ભાયાણી (bhuparat bhayani), કોંગ્રેસના ખંભાતના ધારાસભ્ય ચિરાગ પટેલ અને કોંગ્રેસના વિજાપુરના ધારાસભ્ય સી.જે ચાવડા (c.j chavda)એ રાજીનામું આપી દીધું હતું. આ દરમિયાન આજે પોરબંદરના ધારાસભ્ય અને કોંગ્રેસના દિગ્ગજ નેતા અર્જુન મોઢવાડિયા (arjun modhwadia) ભાજપમાં જોડાઈ શકે છે તેવા સમાચારો મીડિયામાં વહેતા થયા હતા. ભાજપમાં જોડાવવા અંગેના અર્જુન મોઢવાડિયાના સમાચાર વહેતા થતાં તેઓએ ખુલાસો કરવો પડ્યો હતો. જોકે, તેમના ખુલાસા બાદ હવે કોંગ્રેસ નેતાને આમ આદમી પાર્ટીમાં જોડાવવા માટે આમંત્રણ મળ્યું છે.
ગોપાલ ઈટાલિયાએ કરી સોશિયલ મીડિયા પર પોસ્ટ
કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયાએ ભાજપમાં જોડાવાની અટકળો ફગાવ્યા બાદ આમ આદમી પાર્ટી (AAP)ના નેતા ગોપાલ ઈટાલિયાએ અર્જુન મોઢવાડિયાને AAPમાં જોડાવવા આમંત્રણ આપ્યું છે. તેઓએ સોશિયલ મીડિયા પર લખ્યું છે કે, આદરણીય અર્જુનભાઈ…તમારા ખુલાસા વગર થઈ રહેલી વાતો અંગે ખુલાસો કરતા તમે કોંગ્રેસમાં છો એવો ખુલાસો કર્યો પણ ભવિષ્યમાં કોંગ્રેસમાં જ રહેશો કે નહીં તેનો ખુલાસો કર્યો હોત તો સારું હતું.
‘તમારા જેવા નેતાઓ AAPમાં ખુબ શોભા આપે’
તેઓએ વધુમાં લખ્યું છે કે, અને જો ભવિષ્યમાં કોંગ્રેસમાં ન રહેવાના હોવ તો મારી વિનંતી છે કે, તમારી જેવા સક્ષમ અને ભણેલ-ગણેલ નેતાઓ આમ આદમી પાર્ટીમાં ખુબ શોભા આપે.
મીડિયા પર પ્રકાશિત થયા હતા સમાચાર
આપને જણાવી દઈએ કે, ઉત્તર ગુજરાતનું મોટું માથું ગણાતા સીજે ચાવડાએ કોંગ્રેસને અલવિદા કહી દીધા બાદ અર્જુન મોઢવાડિયા પણ ભાજપમાં જોડાશે તેવા સમાચાર મીડિયા પર પ્રકાશિત થયા હતા. જે બાદ તેમણે આ અંગે સ્પષ્ટતા કરીને આ ચર્ચાઓ પર પૂર્ણ વિરામ મૂકી દીધું હતું.
સો.મીડિયા પર કરી સ્પષ્ટતા
ભાજપમાં જોડાવાના ચાલતા અહેવાલો પર કોંગ્રેસ ધારાસભ્ય મોઢવાડિયાએ સ્પષ્ટતા કરી હતી. તેઓએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ (ટ્વિટર) પર લખ્યું કે, ‘મારા કોઈ પણ ખુલાસા વિના વિવિધ મીડિયા ચેનલો દ્વારા મારી ભાજપમાં જોડાઈ રહ્યાની વાતો થઈ રહી છે, જેનો કોઈ આધાર નથી. હું કોંગ્રેસ માં છું અને પક્ષનો ચૂંટાયેલ ધારાસભ્ય છું.’
ADVERTISEMENT