Aravalli News: ગુજરાત સરકારના 'ભણશે ગુજરાત'ના સૂત્ર વચ્ચે રાજ્યની સરકારી શાળાઓના જર્જરિત હાલતે બાળકો-વાલીઓને ચિંતિત બનાવ્યા છે. અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકામાં આવેલી ફતેપુરાની પ્રાથમિક શાળા છેલ્લા ઘણા સમયથી જર્જરિત હાલતમાં છે. તાજેતરમાં આવેલા ભારે વરસાદના પગલે ચાલુ શાળાએ છતમાંથી પોપડા નીચે પડતા વિદ્યાર્થીઓ અને શિક્ષકો ભયના ઓથાર હેઠળ છે. સ્કૂલની હાલત એવી છે કે ગમે ત્યારે કોઈના માથા પર પ્લાસ્ટરના પોપડા પડી શકે છે, પરંતુ અન્ય કોઈ સુવિધા ન હોવાથી બાળકો જીવના જોખમે ભણવા માટે મજબૂર થયા છે.
ADVERTISEMENT
અરવલ્લીમાં શાળા જર્જરિત હાલતમાં
અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના ફતેપુરા ગામની પ્રાયમરી સ્કૂલ જર્જરિત હાલતમાં ગમે ત્યારે તૂટી જાય તેવી હાલતમાં છે. સોમવારે રાત્રીએ વરસાદ પડતા સ્કૂલના ધાબાના ભાગ તૂટીને પડ્યો હતો. સ્કૂલનું ધાબુ ગમે ત્યારે તૂટી પડે એવી સ્થિતિમાં છે. સરકારી શાળાની આવી જર્જરિત હાલત હોવા છતાં બાળકો ભણવા મજબૂર મજબૂર બન્યા છે. ઘણીવાર અરજીઓ આપ્યા છતાં નવા બાંધકામની હજુય મંજૂરી મળી નથી. આશરે 6 વર્ષથી રીપેર કામ કરીને સ્કૂલ ચલાવવાં આવે છે. જો સંજોગવશ શાળાનું ધાબુ તૂટી પડે અને કોઈ બાળક હાની પહોંચે તો જવાબદારી કોની?
જાગૃત નાગરિકે વાઈરલ કર્યો વીડિયો
હાલમાં ફેતપુરા ગામની આ પ્રાથમિક શાળાના વીડિયો એક જાગૃત નાગરિકે વાઈરલ કર્યા છે. જેમાં જોઈ શકાય છે કે, જે ઓરડામાં બાળકોને ભણાવવામાં આવે છે ત્યાં જ છતમાંથી મોટા મોટા પ્લાસ્ટરના પોપડા નીચે ખર્યા છે. છતના સળિયા પણ બહાર આવી ગયા છે. જોકે ઘટના સમયે કોઈ બાળકને ઈજા ન થતા સદનસીબે જાનહાનિ ટળી ગઈ હતી. પરંતુ ભવિષ્યમાં બાળકો તથા શિક્ષકોના જીવ આવી ઘટનામાં જોખમમાં મૂકાઈ શકે છે.
રાજ્યમાં શિક્ષણને ગુણવત્તા યુક્ત બનાવવા માટે સરકાર દ્વારા અવનવી પદ્ધતિઓ તો અપનાવવામાં આવે છે અને નવીન શિક્ષણની વાતો કંઈક અલગ જ છે. પણ જો વિદ્યાર્થીઓને પ્રાથમિક જરૂરિયાત જ પુરી ના થાય તો પછી નવીન શિક્ષણ નીતિના દાવા શું કામના? જોવાનું રહેશે કે શિક્ષણ વિભાગ અને સરકાર આ મામલે હરકતમાં આવીને તાબડતોબ યોગ્ય પગલાં લે છે કેમ પછી કોઈ મોટી દુર્ઘટના થાય પછી જાગશે?
(હિતેશ સુતરીયા- અરવલ્લી)
ADVERTISEMENT