હિતેશ સુતરિયા.અરવલ્લીઃ બિપોરજોય વાવાઝોડાને લઇને રાત્રીના સમયે મોડાસામાં વીજળીને લઈને અફરા – તફરીનો માહોલ ઊભો થયો હતો. એક તરફ અધિકારીઓને હેડક્વાર્ટર ન છોડવાના આદેશો અરવલ્લી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવ્યો હતો, પણ જીઈબી કચેરીમાં કોઈ અધિકારી કે કર્મચારી હાજર ના હોવાનું સામે આવ્યું હતું. જીઈબીનો જે હેલ્પલાઈન નંબર જાહેર કરાયો હતો, તે બંધ રહેતા મોડાસાના વિવિધ વિસ્તારોના લોકોએ હોબાળો મચાવ્યો હતો. હેલ્પલાઈન નંબર જ બંધ રહેતા લોકો કચેરી પર રાત્રે પહોંચી ગયા હતા અને ભારે હોબાળો મચાવ્યો હતો.
ADVERTISEMENT
ત્રણ કલાક સુધી વીજ પુરવઠો ઠપ્પ
બિપરજોય વાવાઝોડાને લઇને ગુરૂવારના રોજ મોડી રાત્રે ભારે પવન અને વરસાદ ફૂંકાયો હતો. દરમિયાન લોકોમાં અફરા – તફરીનો માહોલ જોવા મળ્યો હતો. વિકટ સમયમાં અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં જીઈબી કચેરીની લાલિયાવાડી સામે આવી છે. મોડી રાત્રે ત્રણ કલાક કરતા વધારે સમયથી લાઈટ બંધ રહેતા જીઈબીની ઓફિસે લોકોએ હોબાળો મચાવ્યો હતો. સ્થાનિક લોકોએ પહેલા હેલ્પ લાઈન નંબર પર ફોન કરવાના પ્રયાસો કર્યા હતા, પણ ફોન સતત નહીં લાગતા સ્થાનિક લોકો જીઈબી કચેરીએ દોડી ગયા હતા.
કચ્છમાં વાવાઝોડા દરમિયાન ફરજ બજાવી રહેલા પોલીસકર્મીનું હાર્ટ એટેકથી મોત
હેલ્પલાઈન નંબર જ ઠપ્પ
સ્થાનિક લોકોએ જીઈબી કચેરીએ મોડી રાત્રે ભારે હોબાળો મચાવતા બુમરાણ મચી જવા પામી હતી, સ્થાનિક લોકોએ આરોપ મુક્યો હતો કે, કચેરીમાં પહોંચ્યા તો કચેરીના પંખા અને લાઈટ ચાલુ હતી તો કચેરીમાં કોઈ જ કર્મચારી કે અધિકારી જોવા નહોતો મળ્યો. રાત્રીના સમયે શહેરના મોટાભાગના વિસ્તારોમાં લાઈટ હતી તો મોડાસાના માલપુર રોડ, બાયપાસ રોડ સહિતના વિસ્તારોમાં લાઈટ ન હોવાને લઇને લોકોમાં નારાજગી હતી. તંત્ર દ્વારા ઈમરજન્સીમાં હેલ્પલાઈન નંબર જાહેર કર્યો હતો, પણ તે જ હેલ્પલાઈન નંબર નહીં લાગતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને કચેરીએ ભારે નારાજગી વ્યક્ત કરી હતી. આ પ્રકારની લાલિયાવાડીને કારણે લોકોને સુવિધા કેવી રીતે આપશે તે પણ એક સવાલ છે.
ADVERTISEMENT