હિતેશ સુતરીયા/અરવલ્લી: આજે સવારથી જ રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ જામ્યો છે. સુરત, વલસાડ, નવસારી સાથે અરવલ્લી જિલ્લામાં મેઘમહેર વરસી રહી છે. આ વચ્ચે અરવલ્લીના ધનસુરામાં આવેલા અંબાસર ગામમાં વિચિત્ર ઘટના જોવા મળી હતી. ગામમાં આવેલી અનાજ દળવાની ઘંટી પર વીજળી પડ્યા બાદ આગ લાગી ગઈ હતી. એકબાજુ ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો, આ વચ્ચે ફ્લોર ફેક્ટરીમાં આગ દેખાઈ રહી છે. સમગ્ર ઘટનાનો વીડિયો હવે સામે આવ્યો છે.
ADVERTISEMENT
અનાજ દળવાની ઘંટી પર વીજળી ત્રાટકી
ધનસુરાના અંબાસર ગામમાં ધોધમાર વરસાદ દરમિયાન અભેસિંહ સોલંકીની અનાજ દળવાની ઘંટી પર વીજળી ત્રાટકી હતી. જેના કારણે વીજ મીટર બળીને ખાખ થઈ ગયું હતું. તથા તણખલા સાથે આગ ભભૂકી ઉઠી હતી. વરસતા વરસાદ વચ્ચે આગની ઘટના બની હતી. દરમિયાન આસપાસમાં પશુઓ બાંધેલા વીડિયોમાં જોઈ શકાય છે, જોકે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહોતી.
મોડાસામાં પણ ધોધમાર વરસાદ
નોંધનીય છે કે, અરવલ્લી જિલ્લામાં સવારથી જ અનેક તાલુકાઓમાં વરસાદ પડી રહ્યો છે. જિલ્લાના મોડાસામાં પણ સવારથી વરસાદ વરસતા અનેક સોસાયટીઓમાં પાણી ભરાઈ ગયા હતા. મોડાસાના માલપુરમાં અડધા કલાકમાં 1 ઈંચ વરસાદ પડ્યો હતો. જેના કારણે ખડિયા ચાર રસ્તા પાસે નદી જેવા દ્રશ્યો જોવા મળ્યા હતા.
ADVERTISEMENT