ગાંધીનગર : ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસમાં રાજીનામાનો દોર ચાલી રહ્યો છે. કોંગ્રેસમાંથી એક પછી એક દિગ્ગજ નેતાઓના રાજીનામા આવી રહ્યા છે. આવતી કાલે કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી ગુજરાત આવે તે પહેલા જ એક વધારે દિગ્ગજ નેતાનું રાજીનામું સામે આવ્યું છે. યુથ કોંગ્રેસના પ્રમુખ વિશ્વનાથ વાઘેલાએ રાજીનામું આપી દેવાના કારણે રાજકારણ ગરમાયું છે. રાજીનામું આપવાની સાથે સાથે વિશ્વનાથે આક્ષેપ કર્યો કે, યુથ કોંગ્રેસના પ્રમુખ બનવાનાં પણ દોઢ કરોડ રૂપિયા લીધા હતા.
ADVERTISEMENT
હરપાલસિંહ ચુડાસમાની યુથ કોંગ્રેસ પ્રમુખ તરીકે નિમણૂક
જો કે કોંગ્રેસ દ્વારા તત્કાલ ડેમેજ કંટ્રોલ ખાળવા માટે હરપાલસિંહ ચુડાસમાની યુથ કોંગ્રેસનાં પ્રમુખ તરીકે પસંદગી કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, આવતી કાલે રાહુલ ગાંધીના આગમન પહેલા થયેલું આ મોટુ ડેમેજ કોંગ્રેસને મુશ્કેલ પડી શકે છે. મીડિયામાં રાહુલ ગાંધી કરતા આ મુદ્દો વધારે છવાયેલો રહે તેવી શક્યતાને જોતા તત્કાલ હરપાલસિંહ ચુડાસમાની વરણી કરી દેવામાં આવી હતી.
યુથ કોંગ્રેસમાં ફરી એકવાર અસંતોષનો અગ્નિ પ્રજ્વલીત થયો
જો કે બીજી તરફ કોંગ્રેસમાં જે વર્ષોથી સમસ્યા છે તે આ વરણીમાં પણ યથાવત્ત રહી છે. હરપાલસિંહની નિમણુંક થતાની સાથે જ ફરી એકવાર યુથવિંગમાં પણ અસંતોષની લાગણી ફેલાઇ ગઇ છે. હરપાલસિંહ ચુડાસમા યુથ કોંગ્રેસનાં રાષ્ટ્રીય સેક્રેટરી હતા. જો કે તેની સીધી જ નિમણુંકના કારણે અનેક સવાલો ઉઠી રહ્યા છે. યુથવિંગમાં પણ આંતરિક અસંતોષ જોવા મળી રહ્યો છે.
ADVERTISEMENT