અમદાવાદ : કુલપતિ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં ગુજરાત વિદ્યાપીઠ મંડળની આજે બેઠક મળી હતી. આ બેઠકમાં વિદ્યાપીઠના પરિસરમાં મહાદેવ દેસાઈ સમાજસેવા સંકુલના સમિતિ ખંડમાં આયોજીત કરવામાં આવી હતી. આ બેઠકમાં ગુજરાત વિદ્યાપીઠના ટ્રસ્ટી મંડળમાં ચાર નવા ટ્રસ્ટીઓની સર્વાનુમતે નિયુક્તિ કરવામાં આવી હતી. ચાર નવા ટ્રસ્ટીઓમાં પદ્મશ્રી ગફૂરભાઈ મોહમ્મદભાઈ બિલખિયા, પદ્મભૂષણ રાજશ્રી બિરલા, શિક્ષણ ક્ષેત્રના અગ્રણી ડૉ. હર્ષદ પટેલ અને દિલીપ પી. ઠાકરની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી.
ADVERTISEMENT
કુલપતિ આચાર્ય દેવવ્રતે નવા ટ્રસ્ટીઓને આવકાર્યા
કુલપતિ આચાર્ય દેવવ્રતે નવા ટ્રસ્ટીઓની વરણીને આવકારી હતી. આ સાથે તેમણે જણાવ્યું કે, પૂજ્ય ગાંધીબાપુના ઉદ્દેશ્યને ફળીભૂત કરવા સૌ સાથે મળીને પરસ્પર પારિવારિક સહયોગથી મિશનની માફક કામ કરીશું. કોઈ વ્યક્તિ જન્મથી ગાંધીવાદી નથી હોતો. ગાંધીજીના વિચારો અનુસાર જે વ્યક્તિ જીવનભર કામ કરે તે ગાંધીવાદી આપોઆપ બની જતા હોય છે.
નવા ટ્રસ્ટીઓ નવા જોમ અને ઉત્સાહ સાથે સંસ્થાને આગળ ધપાવશે
કુલપતિ આચાર્ય દેવવ્રતે જે ટ્રસ્ટીઓએ વિદાય લીધી એ ટ્રસ્ટીઓએ પોતાના કાર્યકાળ દરમિયાન ગુજરાત વિદ્યાપીઠની પ્રગતિ અને ઉન્નતિમાં આપેલા યોગદાન માટે આભારની લાગણી વ્યક્ત કરી હતી. સૌ સાથે મળીને ગુજરાત વિદ્યાપીઠને એક નવી ઉંચાઇએ લઇ જવાની લાગણી વ્યક્ત કરી હતી.
ADVERTISEMENT