સુરતઃ સુરતમાં વિધાનસભા ચૂંટણીને લઈને ભાજપ હાલ સ્ટાર પ્રચારકોના સહારે લોકોને આકર્ષવામાં પડી છે. આ ઉપરાંત કોંગ્રેસ પણ આગામી સમયમાં અહીં સ્ટાર પ્રચારકો સાથે પ્રચારમાં ઉતરશે. હાલ ભાજપના ચૂંટણી કેમ્પેઈન દરમિયાન સાથે જોડાયેલા કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે મીડિયા સાથે વાત કરી હતી. દરમિયાન તેમણે ગુજરાતી લહેકા સાથે ભાજપની વાહવાઈ કરી હતી. સાથે જ કોંગ્રેસ પર પ્રહારો પણ કર્યા હતા.
ADVERTISEMENT
રાહુલ ગાંધી ટુકડે ટુકડે ગેંગ સાથે મુસાફરી કરે છેઃ ઠાકુર
અનુરાગ ઠાકુરે ગુજરાતના સુરતમાં ચૂંટણી રેલીને સંબોધ્યા બાદ મીડિયા સાથે વાતચીત કરી હતી. કોંગ્રેસની ભારત જોડો યાત્રા વિશે પૂછવામાં આવતા કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું, “રાહુલ ગાંધી ટુકડે ટુકડે ગેંગ સાથે મુસાફરી કરી રહ્યા છે. ક્યારેક તેઓ હિંદુ આતંકવાદ વિશે વાત કરતા હતા, તો ક્યારેક એવા લોકો વિશે જેઓ ભારતના ટુકડા કરવા માંગતા લોકો સાથે જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીમાં ઊભા રહી જાય છે, અને તેના પછી તેઓ વીર સાવરકર પર પ્રશ્નાર્થ ચિહ્ન ઊભા કરે છે.”
બ્રિટિશ ચાલ્યા ગયા પણ કોંગ્રેસ છોડી ગયાઃ ઠાકુર
અનુરાગ ઠાકુરે વધુમાં જણાવ્યું હતું કે, “આ કોંગ્રેસની માનસિકતા છે. તેઓ ક્યારેય એક પરિવારથી આગળ વધી શક્યા નથી, અને વધી નહીં શકે. કોંગ્રેસ માત્ર ટોપીઓનું રાજકારણ કરે છે. ક્યારેય વિકાસની વાત નથી કરતી. કોંગ્રેસે ભાગલા પાડો અને રાજ કરોની રાજનીતિ કરી છે. બ્રિટિશ ચાલ્યા ગયા પરંતુ કોંગ્રેસ છોડી દીધી. કોંગ્રેસ હંમેશા જાતિ, ધર્મ અને સમુદાય પર મત માંગે છે. ભારતીય જનતા પાર્ટી સુશાસન, વિકાસ, ગરીબ કલ્યાણ અને પ્રામાણિકતામાં માને છે. આ જ ભાજપની ઓળખ છે.
ADVERTISEMENT