ગોધરામાં અસામાજિક તત્વોનો આતંક, બગીચામાં બુદ્ધ ભગવાનની મૂર્તિના હાથ-પગ તોડી ખંડિત કરી

શાર્દુલ ગજ્જર/ગોધરા: ગોધરા શહેરના મધ્યમાં આવેલા અટલબાગમાં કેટલાક અસામાજીક તત્વો ક્રિકેટ અને વોલીબોલ રમવા માટે આવ્યા હતા. ત્યારે રાત્રિ દરમિયાન બેથી ત્રણ અસામાજિક તત્વોએ બગીચામાં…

gujarattak
follow google news

શાર્દુલ ગજ્જર/ગોધરા: ગોધરા શહેરના મધ્યમાં આવેલા અટલબાગમાં કેટલાક અસામાજીક તત્વો ક્રિકેટ અને વોલીબોલ રમવા માટે આવ્યા હતા. ત્યારે રાત્રિ દરમિયાન બેથી ત્રણ અસામાજિક તત્વોએ બગીચામાં મૂકેલા બુદ્ધ ભગવાનની મૂર્તિના હાથ-પગ અને નાકના ભાગે ખંડિત કરીને તોડી નાખી હતી. સાથે બગીચામાં બેસવા માટેના બાકડા અને સ્પીકરના થાંભલા પણ તોડી નાખ્યા હતા. જેથી બગીચામાં ફરજ બજાવતા વોચમેને ગોધરા એ ડિવિઝન પોલીસ મથકે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી.

રાતના સમયે અજાણ્યા છોકરાએ બગીચામાં રમવા આવ્યા હતા
આ બનાવ સંદર્ભે ગોધરા તાલુકાના ચંચોપા તળાવ ફળિયા ખાતે રહેતા અને ગોધરા અટલબાગમાં વોચમેન તરીકે ફરજ બજાવતા છત્રસિંહ કાંતિભાઈ બારીયાએ જણાવ્યું હતું કે, આજથી બે દિવસ પહેલાં ગોધરાના અટલબાગમાં કેટલાક અજાણ્યા છોકરાઓ બગીચામાં ક્રિકેટ અને વોલીબોલ રમવા માટે આવ્યા હતા. જેથી મેં તેઓને બગીચામાં ક્રિકેટ રમવા માટે ના પાડી હતી છતાં પણ તેઓએ ક્રિકેટ રમવાનું ચાલુ રાખીને કાયદેસરની ફરજ ઉપર રૂકાવટ કરી હતી. જ્યારે બે થી ત્રણ અજાણ્યા છોકરાઓએ ધાર્મિક લાગણી દુભાવાના ઇરાદાથી અટલબાગમાં આવેલ બુદ્ધ ભગવાનની મૂર્તિના બંને હાથ અને પગની આંગળીઓને તથા નાકના ભાગે ખંડિત કરી તોડી નાખીને નુકસાન કર્યું હતું.

બગીચામાં બેસવાના બાંકડા પણ તોડી નાખ્યા
જ્યારે બગીચામાં બેસવા માટેના બાંકડા તેમજ સ્પીકરના થાભલાને તોડી નાખી નુકસાન કર્યું હતું. જેથી અટલબાગમાં ફરજ બજાવતા વોચમેન છત્રસિંહ કાંતિભાઈ બારીયાએ ગોધરા એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ દાખલ કરી હતી. પોલીસે અજાણ્યા બે થી ત્રણ છોકરાઓ વિરુદ્ધ ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સિક્યોરિટી ગાર્ડ રમવાની ના પાડે તો કરે છે ઝપાઝપી
ગોધરાના અટલબાગમાં માળી તરીકે ફરજ બજાવતા છગનભાઈ સુતરીયાએ જણાવ્યું હતું કે, આજથી બે દિવસ પહેલા અજાણ્યા બે થી ત્રણ છોકરાઓ રાત્રી દરમિયાન બુદ્ધ ભગવાનની મૂર્તિ અને બાંકડા અને સ્પીકરના થાંભલા તોડીને નુકસાન કર્યું હતું. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, મોટેભાગે અજાણ્યા છોકરાઓ રાત્રી દરમિયાન ક્રિકેટ અને વોલીબોલ રમવા માટે આવતા હોય છે. તેઓને અહીંયા ક્રિકેટ વોલીબોલ રમવાનું ના કહીએ છીએ ત્યારે તેઓ અમારી સાથે જપાજપી કરતા હોય છે. આ બાબતે અમે ગોધરા નગરપાલિકા ચીફ ઓફિસરને લેખિતમાં જાણ કરી છે.

    follow whatsapp