આજે ટેકનોલોજીના ઉપયોગ થકી જન જીવન સરળ બન્યું છે તમામ ક્ષેત્રે ટેકનોલોજીનો ઉપયોગ થઈ રહ્યો છે અને કલાકોનું કાર્ય મિનિટોમાં થતું થયું છે ત્યારે કૃષિ ક્ષેત્રે વધુ એક ગુજરાતે સફળતા મેળવી છે. આજે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ડ્રોન ટેકનોલોજી દ્વારા ઈફકો નેનો યુરીયા છંટકાવ યોજનાનો રાજ્યવ્યાપી પ્રારંભ ગાંધીનગર જિલ્લાના ઇસનપૂર મોટા ગામેથી કરાવ્યો છે.
ADVERTISEMENT
રાજ્ય સરકાર દ્વારા આ નવીન ડ્રોનટેકનોલોજી તેમજ નેનો યુરિયા (પ્રવાહી) ખેડૂતો સુધી પહોંચાડવાના ભાગરૂપે આ વર્ષે કૃષિ ક્ષેત્રે જંતુનાશક દવાઓ અને નવીન સંશોધિત નેનો યુરિયાના છંટકાવમાં સરળતા રહે અને ખેડૂતો ઝડપથી આ ટેકનોલોજી અપનાવે તેવા શુભ આશયથીથી ડ્રોન દ્વારા છંટકાવની આ નવીન યોજના અમલમાં મુકવામા આવી છે. કૃષિ ક્ષેત્રમાં ડ્રોન ટેકનોલોજીના ઉપયોગથી ફકત ૨૦ મીનીટમાં ૧ હેકટર જેટલા વિસ્તારમાં ૨૫ લીટર પાણી દ્વારા દવા છંટકાવ કરી શકાય છે અને ખેત મજુરની સમસ્યાનું નિવારણ થઈ શકે છે. ખેડૂતોનો સમય અને ઉર્જા બચાવી ખેડૂતોને સમૃધ્ધ બનાવવા માટે કૃષિમાં યાંત્રિકીકરણને પ્રોત્સાહન અંતર્ગત “કૃષિ ક્ષેત્રમાં અદ્યતન ડ્રોન ટેક્નોલોજી (કૃષિ વિમાન) નો ઉપયોગ” યોજના હેઠળ કુલ રૂ.૩૫ કરોડ ની જોગવાઈ કરવામાં આવી છે.
આ યોજનામાં કુલ ૧.૪૦ લાખ એકર વિસ્તાર આવરી લેવાનું આયોજન છે. ખેડૂતને એક એકર માં ડ્રોન દ્વારા છંટકાવ માટે વધુમાં વધુ રૂ.૫૦૦/- સહાય આપવામાં આવશે અને જમીન ખાતા દીઠ નાણાકીય વર્ષમાં વધુમાં વધુ કુલ પાંચ એકર અને વધુમાં વધુ પાંચ છંટકાવની મર્યાદામાં કુલ રૂ. ૨૫૦૦/-ની મર્યાદામાં સહાય મળવા પાત્ર રહેશે. મુખ્યમંત્રીએ રાજ્યના કિસાનોની આવક બમણી કરવાના તેમજ વિવિધ પાકોના વાવેતરથી વેચાણ સુધી કેન્દ્ર અને રાજ્ય સરકારના ખેડૂત કલ્યાણ લક્ષી આયોજનની ભૂમિકા આપી હતી. આ સંદર્ભે મુખ્યમંત્રીએ ક્હ્યુંકે જમીનનો રસ કસ બચાવવા આવી ખેતી હવેના સમયની માંગ છે. વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીએ દેશમા હરેક ક્ષેત્રે ટેકનોલોજીનો ઉપયોગ કરીને નાનામાં નાના માનવીને સુખ સુવિધા આપી વિકાસની મુખ્ય ધારામા લાવવાની જે જનહિત યોજનાઓ અમલી બનાવી છે તેનો લાભ સુપેરે પહોંચાડવા ગુજરાતમાં તેમની ટીમ સતત કર્તવ્યરત છે. ભૂપેન્દ્ર પટેલે આ અવસરે ઉપસ્થિત સૌને હર ઘર તીરંગા અભિયાનમાં ઉત્સાહ પૂર્વક જોડાઈ આઝાદીના અમૃત મહોત્સવમાં જોડાઈ પ્રધાનમંત્રી ના આહ્વાન ને ઝીલી લેવાં અનુરોધ કર્યો હતો.
ADVERTISEMENT