અમદાવાદ : ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ પોતાની ખુબ જ ‘સુરક્ષીત’ ભરતી માટે વૈશ્વિક સ્તરે નામના મેળવી ચુકી છે. જેના અનેક કિસ્સાઓ મીડિયામાં પણ આવી ચુક્યા છે. ત્યારે હવે GETCO નું વધારે એક ભોપાળું બહાર આવ્યું છે. તમામ પ્રકારની પરીક્ષા અને પ્રેક્ટિકલ ટેસ્ટ પુર્ણ કર્યા બાદ આખરે ઓર્ડર આપવાના હતા તેની પહેલા સમગ્ર ભરતી જ અચાનક રદ્દ કરી દીધી હતી.
ADVERTISEMENT
GETCO દ્વારા તમામ પ્રક્રિયા પુર્ણ થયા બાદ ભરતી રદ્દ કરી
પોલ ટેસ્ટ વિવિધ વર્તુળ કચેરીઓ દ્વારા 06.03.2023 થી 13.03.2023 તથા લેખિત પરીક્ષા 09.09.2023 ના રોજ યોજાઇ હતી. પરીક્ષા બાદ કેટલાક ઉમેદવારો દ્વારા કચેરી ખાતે રજુઆત કરાઇ હતી. રાજકોટ, ભરૂચ અને મહેસાણા ઝોન હેઠળની વર્તુળ કચેરીમાં લેવાયેલી પોલ ટેસ્ટની પ્રક્રિયામાં GUVNL અને GSTCO દ્વારા બહાર પડાયેલી માર્ગદર્શિકા અનુસાર પરીક્ષા નહી લેવાયાની રજુઆત કરી હતી. ત્યાર બાદ તપાસ કમિટીની રચના થઇ હતી. તપાસમાં આક્ષેપો સાચા ઠર્યા હતા. જેથી સમગ્ર ભરતી પરીક્ષા રદ્દ જાહેર કરવામાં આવી હતી.
કેટલાક કેન્દ્રો પર નિયમોનું પાલન નહી થયું હોવાનો આક્ષેપ હતો
અત્રે ઉલ્લેખનીય છે કે, 20 નવેમ્બરના રોજ ધોળાજી યુવકે જુનાગઢમાં જેટકો ઇલેક્ટ્રીક આસિસ્ટન્ટની પરીક્ષામાં નિયમોના ભંગ થયા હોવાના આક્ષેપો થયા હતા. આ બાબતે રજુઆતો કરવા છતા કોઇ નિરાકરણ નહી આવતા યુવક દ્વારા ઇચ્છા મૃત્યુની માંગ કરવામાં આવી હતી. અનેકવાર ઉચ્ચ સ્તરે રજુઆત થતા સમગ્ર મામલે તપાસ થઇ અને સમગ્ર કૌભાંડ બહાર આવ્યું હતું. ઉર્જા વિભાગના કૌભાંડમાં વધારે એક કલગી ઉમેરાઇ હતી.
ADVERTISEMENT