Valsad Love Jehad: વેલેન્ટાઈન્સ ડે પહેલા વલસાડમાં ફરી એકવાર લવ જેહાદની ઘટના સામે આવી છે. 11 દિવસ પહેલા નાની દમણની એક યુવતી ઘરેથી કોમ્પ્યુટર ક્લાસમાં જવા નીકળી હતી. જોકે તે ઘરે પરત ન ફરતા તેની શોધખોળ ચાલુ થઈ હતી, અને સંઘ પ્રદેશ દમણમાં તેના ગુમ થવાની ફરિયાદ પણ નોંધાવાઈ હતી. બાદમાં પરિવારજનોએ આરોપ લગાવ્યો હતો કે તૌરીફ નામનો યુવક કે જે વલસાડના બિનવાળા ગામના ધુમાળિયા ફળિયાનો રહેવાસી છે, તે યુવતીને ભગાડી ગયો છે. આ અંગે પોલીસને જાણ કરવા છતાં પોલીસે આગળ કોઈ કાર્યવાહી ન કરતા 400 જેટલા લોકો દમણથી બિનવાળા ગામ પહોંચી ગયા હતા.
ADVERTISEMENT
યુવતીને લેવા વલસાડ પહોંચ્યો પરિવાર
મોટી સંખ્યામાં લોકો ગામમાં પહોંચી જતા પોલીસે આખા વિસ્તારની કિલ્લેબંધી કરી હતી અને અમુક વિસ્તારના રોડ પર અવરજવર બંધ કરી દેવામાં આવી હતી. દમણથી આવેલા લોકોની એક જ માંગ હતી કે, યુવતી સાથે પરિવારને એકવાર વાત કરવા દેવામાં આવે, પરંતુ યુવકના પરિવાર દ્વારા કોઈપણ પ્રકારનો સહયોગ પોલીસને કે અગ્રણીઓને આપવામાં આવ્યો નહોતો. એક સમયે યુવક અને યુવતીએ લગ્ન કરી દીધાનું મેરેજ સર્ટિફિકેટ આગળ ધરી દીધું હતું અને કહ્યું હતું કે, આ બાબતમાં હવે જેણે જે કરવું હોય એ કરી લે. જેને લઈને વાતાવરણ વધુ તંગ બન્યું હતું. ત્યારબાદ ઉચ્ચ કક્ષાના પોલીસ અધિકારીઓ પણ સ્થળ પર પહોંચી ગયા હતા.
ગૃહમંત્રી સુધી પહોંચ્યો સમગ્ર મામલો
આથી આખરે ગૃહમંત્રી સુધી વાત પહોંચતા વલસાડ SP પણ દમણથી આવેલા લોકો જ્યાં હતા તેઓને મળવા માટે પહોંચ્યા હતા. બીજી તરફ યુવકના ઘરની આજુબાજુના લોકો પણ એ જ ઈચ્છા દર્શાવી રહ્યા હતા કે એકવાર યુવતીને રજૂ કરી દેવી જોઈએ જેથી કરીને વિસ્તારનું વાતાવરણ વધુ તંગ ન બને.
પોલીસે સમજાવતા મામલો થાળે પડ્યો
આખી બાબતમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને નેતાઓ પણ અહીં આવેલા હોવાથી વલસાડ જિલ્લા પોલીસ વધુ સતર્ક બની હતી. વલસાડ જિલ્લા પોલીસનો મોટો કાફલો સ્થળ પર હાજર કારી દીધો હતો અને કોઈપણ પ્રકારે આખી બાબતને થાળે પાડવાનો પ્રયાસ વલસાડ જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યો હતો. આખરે વલસાડ SP ડોક્ટર કરણરાજ વાઘેલા પણ સ્થળ પર પહોંચ્યા હતા અને યુવતીના પરિવારને આશ્વાસન આપ્યું હતું કે, તેઓની દમણ પોલીસ સાથે આ બાબતમાં ચર્ચા થઈ છે અને યુવકને અને યુવતીને તુરંત શોધવાના પ્રયાસો હાથ ધરવામાં આવશે અને પરિવાર સાથે યુવતીની વાત કરાવવામાં આવશે. આ પ્રકારના આશ્વાસન આપ્યા બાદ આખરે યુવતી માટે આવેલ લોકો દમણ જવા રવાના થયા હતા.
(કૌશિક જોશી, વલસાડ)
ADVERTISEMENT