અમરનાથ યાત્રાએ ગયેલા વધુ એક ગુજરાતીએ જીવ ગુમાવ્યો, વડોદરાના 33 વર્ષના યુવકનું હાર્ટ એટેકથી મોત

વડોદરા: અમરનાથની યાત્રાએ ગયેલા વધુ એક ગુજરાતીના મોતના સમાચાર સામે આવી રહ્યા છે. વડોદરાના ફતેપુરા વિસ્તારના યુવકનું હાર્ટએટેકથી મોત થયાની આશંકા છે. હાલમાં યુવકના મૃતદેહને…

gujarattak
follow google news

વડોદરા: અમરનાથની યાત્રાએ ગયેલા વધુ એક ગુજરાતીના મોતના સમાચાર સામે આવી રહ્યા છે. વડોદરાના ફતેપુરા વિસ્તારના યુવકનું હાર્ટએટેકથી મોત થયાની આશંકા છે. હાલમાં યુવકના મૃતદેહને વડોદરા લાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. અમરનાથ યાત્રાએ ગયેલા લોકોમાં છેલ્લા 8 દિવસમાં આ ચોથા ગુજરાતીનું મોત થયું છે.

33 વર્ષના યુવકને હોસ્પિટલમાં આવ્યા 3 હાર્ટ એટેક
વિગતો મુજબ, વડોદરાના ફતેપુરામાં આવેલી પીતાબંરની પોળમાં રહેતા 33 વર્ષના ગણેશ કદમ મિત્રો સાથે અમરનાથની યાત્રાએ ગયા હતા. 8મી જુલાઈએ તેઓ વડોદરાથી અમરનાથ જવા નીકળ્યા હતા. પહેલગામ પહોંચી તેઓ એક હોટલમાં રોકાયા હતા. જ્યાં તેમને ઉલટી થતા મિત્રો સ્થાનિક હોસ્પિટલમાં લઈને પહોંચ્યા હતા. હોસ્પિટલમાં જ ગણેશને બે વખત હાર્ટ એટેક આવ્યો હતો, જેમાં તેઓ બચી ગયા જોકે ફરી ત્રીજો હાર્ટ એટેક આવતા તેમનું મોત નિપજ્યું હતું.

પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહને વડોદરા લવાશે
અચાનક યુવકના મોતના સમાચાર મળતા પરિવારજનો આઘાતમાં સરી પડ્યા હતા. ગણેશના નિધનથી તેના પત્ની અને બાળકો નિરાધાર બન્યા છે. હાલમાં પોસ્ટમોર્ટમ કર્યા બાદ ગણેશના મૃતદેહને શ્રીનગરથી વડોદરા લાવવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે.

8 દિવસમાં 4 ગુજરાતીઓના મોત
નોંધનીય છે કે, છેલ્લા 8 દિવસોમાં જ અમરનાથ યાત્રાએ ગયેલા આ ચોથા ગુજરાતીનું મોત થયું છે. બે દિવસ પહેલા જ અમેરિકાથી દોઢ મહિના પહેલા સુરત આવેલા મહિલા ઊર્મિલાબેન મોદીનું અમરનાથ યાત્રાએ માથામાં પથ્થર વાગતા મોત થયું હતું. તો આ પહેલા 9 જુલાઈના રોજ વડોદરાના વેમાલી ગામના રાજેન્દ્ર ભાટીયાનું ખૂબ જ ઠંડી અને ઓક્સિજન ઘટી જતા મોત થયું હતું. તો 13 જુલાઈના રોજ ભાવનગરના સિદસર ગામના વતની અન શિલ્પાબેન ડાંખરાનું અમરનાથ યાત્રા દરમિયાન લોવર વેલી ખાતે મોત થયું હતું.

    follow whatsapp