અમદાવાદ: શહેરના ઈસ્કોન બ્રિજ પર બેદરકારી ભરી રીતે પૂરપાટ ઝડપે કાર હંકારીને લોકોને અડફેટે લેનારા તથ્ય પટેલની મુશ્કેલીમાં ફરી એકવાર વધારો થયો છે. ઈસ્કોન બ્રિજ અકસ્માત બાદ તથ્ય પટેલના એકબાદ એક કારનામા સામે આવી રહ્યા છે. જેમાં હાલમાં જ તથ્ય પટેલે 31મી ડિસેમ્બરની રાત્રે શીલજ રોડ પર અકસ્માત સર્જ્યો હોવાની વિગતો સામે આવી હતી. ત્યારે હવે આ અકસ્માત કેસમાં તથ્ય પટેલ સામે વધુ એક FIR નોંધવામાં આવી છે.
ADVERTISEMENT
વાંસજડા ગામના સરપંચે નોંધાવી ફરિયાદ
વિગતો મુજબ, સાંતેજ પોલીસ સ્ટેશનમાં તથ્ય પટેલ સામે વધુ એક FIR નોંધાઈ છે. જે મુજબ, વાંસજડા ગામના પૂર્વ સરપંચે આ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં કહેવાયું છે કે, 1લી જાન્યુઆરી 2023ના રોજ 3થી 5 વાગ્યાના અરસામાં એક કાર ચાલકે ગામના ભાગોળે મેઈન રોડ પર સાણંદ તરફ જતા બળીયાદેવ મંદિરના આગળના સાઈડના પિલ્લરને નુકસાન કર્યું હતું, જેથી મંદિરના ધાબાનો ભાગ નમી ગયો હતો અને મંદિરને રૂ.20,000નું નુકસાન કર્યું હતું. તાજેતરમાં સમાચાર પત્રોમાં વાંચતા જાણવા મળ્યું કે આ કાર ચાલક તથ્ય પટેલ હતો.
અગાઉ થાર કારથી અકસ્માત સર્જ્યો હતો
આમ તથ્ય પટેલ સામેની મુશ્કેલીમાં વધારો થયો છે. આ પહેલા તેની વિરુદ્ધ સિંધુભવન રોડ પર 20 દિવસ અગાઉ થાર કાર કેફેની દિવાલમાં ઘુસાડી દેવાનો કેસ નોંધાયો હતો. આ કેસમાં પણ મોડી રાત્રે તથ્ય પટેલ કાર બેદરકારી ભરી રીતે હંકારીને દિવાલમાં ઘુસાડી દીધી હતી. મામલો પોલીસ સુધી પણ પહોંચ્યો હતો, પરંતુ તેણે કેફે માલિકને પૈસા આપીને કેસને રફેદફે કરાવી દેતા FIR નોંધાઈ નહોતી, જોકે ઈસ્કોન બ્રિજ પર અકસ્માત બાદ તેની સામે ફરિયાદ નોંધાઈ હતી.
ADVERTISEMENT