Morbi News: મોરબીમાં બે દિવસ પહેલા પગાર માગતા દલિત યુવક પર હુમલો કરીને ચપ્પલ મોઢામાં પકડાવનારા રાણીબા ઉર્ફે વિભૂતિ પટેલ ઘટના બાદથી જ પોલીસ પકડથી દૂર છે. જોકે યુવક પર હુમલા બાદ વિભૂતિ પટેલની મુશ્કેલીઓમાં વધારો થયો છે. સોશિયલ મીડિયામાં વિભૂતિ પટેલે અનેક રૌફ મારતા વીડિયો પોસ્ટ કર્યા છે, જેમાં એક વીડિયોમાં તે તલવારથી જન્મ દિવસની ઉજવણી કરતા કેક કાપતા દેખાય છે. હવે આ મામલે રાણીબા ઉર્ફે વિભૂતિ પટેલ સામે વધુ એક ગુનો નોંધાયો છે.
ADVERTISEMENT
સો.મીડિયા વીડિયોથી થઈ FIR
મોરબીમાં દલિત યુવક સામે હુમલા બાદથી ફરાર વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા, ઓમ પટેલ, રાજ પટેલ, પરિક્ષીત ભગલાણી તથા મયુર કલોત્રા સહિતના આરોપીઓ ફરાર છે. જેમને પકડવા માટે પોલીસ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર વોચ રાખી રહી છે. દરમિયાન વિભૂતિ પટેલના ઈન્સ્ટાગ્રામ ID raniba__7 પર 3 સપ્ટેમ્બર 2022ના રોજ જન્મ દિવસની ઉજવણીનો વીડિયો જોવા મળ્યો. જેમાં તે તલવારથી જાહેરમાં કેક કાપતા દેખાય છે. ત્યારે વર્ષ જૂની આ પોસ્ટ બદલ વિભૂતિ પટેલ સામે હથિયારબંધી જાહેરનામાના ભંગ સહિતની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
વિભૂતિ પટેલે ઈન્સ્ટાગ્રામ પ્રાઈવેટ કરી દીધું
સોશિયલ મીડિયામાં સતત એક્ટિવ રહિને રૌફ મારનાર વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબાએ હાલ પોતાનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પ્રાઈવેટ મોડ પર કરી દીધું છે. જોકે હજુ તે પોલીસ પકડવામાં આવી નથી. ત્યારે પોલીસની પકડમાં વિભૂતિ પટેલ ક્યારે આવે છે તે જોવાનું રહેશે.
(ઈનપુટ: રાજેશ આંબલિયા, મોરબી)
ADVERTISEMENT